ગત જાન્યુઆરીમાં 40 દિવસમાં 700 માઇલની દક્ષિણ ધ્રુવની સફર એકલપંડે કોઇ પણ પ્રકારની સહાય વિના પૂર્ણ કરનાર પ્રથમ અશ્વેત મહિલા અને બ્રિટિશ આર્મી મેડિકલ ઓફિસર પ્રીત ચાંડી હવે ફરીથી એકલા હાથે કોઇ પણ પ્રકારની મદદ કે સહકાર વગર એન્ટાર્કટિકા ક્રોસિંગને પૂર્ણ કરનાર પ્રથમ મહિલા બનવાની આશા રાખે છે.
33 વર્ષીય કેપ્ટન પ્રીત ચાંડીએ કહ્યું હતું કે તે હવે તેના અભિયાનના “ફેઝ ટૂ” માટે તાલીમ લઈ રહી છે, જેમાં 1,000 માઈલથી વધુની મુસાફરી, માઈનસ 50 સેલ્સીયસ જેટલું નીચું તાપમાન અને 60 માઇલ પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેણે પોતાની કીટની સાથે સ્લેજ પણ ખેંચવી પડશે.
દરિયાકાંઠેથી દરિયાકાંઠાની મુસાફરી તે ઓક્ટોબરમાં શરૂ કરવાની યોજના ધરાવે છે જેમાં લગભગ 75 દિવસનો સમય લાગશે.
ઘોષણા કરતી એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં, આર્મી ફિઝિયોથેરાપિસ્ટે કહ્યું હતું કે “હું શા માટે પ્રથમ વખત એન્ટાર્કટિકા ગઈ હતી અને શા માટે હું પાછી જઈ રહી છું? હું એ બતાવવા માંગતી હતી કે આપણે ગમે ત્યાંથી હોઈએ, પછી ભલે આપણે જેવા દેખાઈએ, આપણે જે જોઈએ તે પ્રાપ્ત કરી શકીએ છીએ. હું અન્ય લોકોને તેમની સીમાઓને આગળ ધપાવવા અને પોતાની જાત પર વિશ્વાસ કરવા પ્રોત્સાહિત કરવા માંગુ છું. હું તે ગ્લાસ સીલીંગ તોડવા માંગુ છું! મેં પાંચ વર્ષ પહેલાં વિચાર્યું ન હતું કે હું સક્ષમ છું…તમારી જાતને મર્યાદિત કરશો નહીં.”