વિશ્વના મહાન આધ્યાત્મિક નેતાઓમાંના એક અને નીસડન મંદિરના નિર્માતા પ. પૂ. પ્રમુખ સ્વામી મહારાજની શતાબ્દી જન્મજયંતિ નિમિત્તે તા. 22થી 31 જુલાઈ દરમિયાન લંડનના આઇકોનિક નીસડન મંદિર ખાતે સાત એકરની જગ્યામાં અદભૂત દસ દિવસીય બહુ-સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ વાઇબ્રન્ટ અને નિશુલ્ક 10-દિવસીય કાર્યક્રમ પ્રેરણાદાયી સ્થળો, અવાજો અને સ્વાદિષ્ટ વ્યંજનો માટે હજારો લોકોને આકર્ષિત કરશે. જેમાં બાળકોની સાંસ્કૃતિક વન્ડરલેન્ડ સહિત સમગ્ર પરિવાર માટે કંઈક શીખવા જેવા વિશેષ કાર્યક્રમો, સ્ટોરી ટેલીંગ, આઉટડોર ફેસ્ટિવલ સ્ટેજ, ‘ભારતના ફ્લેવર્સ’ ધરાવતા ફૂડ કોર્ટ, સાંસ્કૃતિક કાર્યક્રમો, સંગીત અને નૃત્યનું જીવંત મિશ્રણ માણવા મળશે.
પ્રમુખસ્વામી મહારાજે સૂત્ર આપ્યું હતું કે “બીજાના આનંદમાં આપણો પોતાનો આનંદ છે”. જેને અનુરૂપ દરેક મુલાકાતીને મફત આરોગ્ય જાગૃતિ સલાહ, તાલીમ અને સ્ક્રીનીંગ મેળવવાની તક તેમજ ઇન્ટરેક્ટિવ કોમ્યુનિટી હેલ્થ હબ ખાતે આરોગ્ય અને વેલબીઇંગને લગતી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની તક મળશે. આ ઉપરાંત જોડાનારા લોકોને કસરત અને ન્યુટ્રીશન વિશે શિક્ષિત કરાશે. લોકોને તંદુરસ્ત જીવનશૈલી માટે તથા માનસિક સુખાકારીને સમૃદ્ધ બનાવવા નિષ્ણાતોના વર્કશોપ અને સેમિનારો, વ્યાયામ અને યોગ સત્રોનું આયોજન કરાયું છે. સ્વસ્થ આહાર માટે રસોઈ અંગે સમજ આપતાં વિવિધ સ્ટેન્ડ દ્વારા સમજ અપાશે.
થીમ ડેઝ અંતર્ગત બાળકો, કાર્ડિયોવેસ્ક્યુલર, ડેન્ટલ, મહિલાઓ અને વૃદ્ધોના સ્વાસ્થ્યથી લઈને લોહી, મેરો અને અંગ દાન સુધીની સ્વાસ્થ્ય સમસ્યાઓની વિશાળ શ્રેણીને આવરી લેવાશે. હેલ્થ સ્ક્રીનીંગ દરેક લોકો માટે ઉપલબ્ધ હશે અને અગ્રણી હેલ્થ ચેરીટી સંસ્થાઓના યોગદાનથી સમગ્ર પરિવારને તેમના સ્વાસ્થ્યને સુધારવા માટે માહિતી અને ટૂલ્સ પૂરા પાડવામાં આવશે.
વિવિધ શો, પ્રદર્શનો, રમતો તેમજ તમારા, મિત્રો અને પરિવારના સ્વાસ્થ્યને સુધારવાની આદર્શ તક માટે એક વાર મુલાકાત લેવા નમ્ર વિનંતી છે.