ફોર્બ્સ મેગેઝિને જારી કરેલી વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં ગુજરાતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ ચોથો ક્રમ હાંસલ કર્યો છે. 2021 અને 2022ની વચ્ચે અદાણીની નેટવર્થ 50 બિલિયન ડોલરથી વધી 90 બિલિયન ડોલર થઈ છે.
ગૌતમ અદાણી અગાઉથી એશિયાના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ છે. ગૌતમ અદાણીએ ફોર્બ્સની ધનિકોની યાદીમાં માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સને પાછળ રાખી દીધા છે. બિલ ગેટ્સે તેમની નોન-પ્રોફિટ સંસ્થા બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સને 20 બિલિયન ડોલરનું દાન આપ્યા પછી તેમની સંપત્તિ ઘટી છે અને તેઓ પાંચમા ક્રમે પહોંચી ગયા છે. ગૌતમ અદાણીની સરખામણીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી પણ ઘણા પાછળ રહી ગયા છે.
ફોર્બ્સની યાદી મુજબ બિલ ગેટ્સની સંપત્તિ 102 બિલિયન ડોલર હોવાનો અંદાજ છે, જ્યારે ગૌતમ અદાણી પાસે 114 બિલિયન ડોલરની સંપત્તિ છે. આ યાદી રિયલ ટાઈમ ડેટ પર આધારિત છે, તેથી તેમાં ઝડપથી ફેરફાર થાય છે.
ફોર્બ્સની યાદીમાં ઈલોન મસ્ક સૌથી ધનિક વ્યક્તિ તરીકે ટોચ પર છે અને 230 બિલિયન ડોલરની સંપત્તિ ધરાવે છે. લુઇ વિટોનના માલિક બર્નાર્ડ એર્નોલ્ટ બીજા ક્રમે છે, જ્યારે એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ ત્રીજા સ્થાન પર છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એક સમયે ગૌતમ અદાણી કરતા સંપત્તિમાં ઘણા આગળ રહેલા મુકેશ અંબાણી આ યાદીમાં છેક 10મા સ્થાન પર છે. મુકેશ અંબાણી પાસે 88 બિલિયન ડોલરની સંપત્તિ હોવાનો અંદાજ છે. ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં ગૌતમ અદાણીએ સંપત્તિમાં મુકેશ અંબાણીને પાછળ રાખી દીધા હતા અને સૌથી ટૂંકા ગાળામાં પોતાની સંપત્તિ ડબલ કરવાની સફળતા મેળવી હતી. ગૌતમ અદાણીએ 2021માં જે વેલ્થ નોંધાવી હતી તેની સરખામણીમાં અત્યારે તેમની સંપત્તિ બમણી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં અદાણીએ અભૂતપૂર્વ સિદ્ધિઓ મેળવી છે અને હવે તેઓ પાવર, ગ્રીન એનર્જી, ગેસ, પોર્ટ સહિતના સેક્ટરમાં હાજરી ધરાવે છે. તેઓ વિશ્વમાં સૌથી મોટી ગ્રીન એનર્જી ઉત્પાદક કંપની બનવા માંગે છે જેના માટે તેઓ 70 બિલિયન ડોલરનું રોકાણ કરશે.