ગુજરાતના પાસપોર્ટ સેવા કેન્દ્રો (PSK) પરથી નવો કે અપડેટ પાસપોર્ટ મેળવવાની એપોઇન્ટમેન્ટ માટેનો સમય બે દિવસથી વધીને 20 દિવસ સુધી થયો છે. તહેવારોની સીઝન પહેલા રાજ્યભરના PSK અરજીઓની સંખ્યામાં મોટો વધારો થયો છે. અમદાવાદના અરજદારોએ અપોઈન્ટમેન્ટ માટે 20 દિવસ, જ્યારે વડોદરાના અરજદારોએ ઓછામાં ઓછા 15 દિવસ રાહ જોવી પડશે. અમદાવાદના પાસપોર્ટ સેવા કેન્દ્રમાં, આગામી તત્કાલ પાસપોર્ટ માટે આગામી ઉપલબ્ધ અપોઈન્ટમેન્ટ 8મી ઓગસ્ટના રોજ છે. અમદાવાદનાં રેગ્યુલર પાસપોર્ટ મેળવવા માગતા અરજદારો પાસે 5 ઓગસ્ટ જ્યારે વડોદરાના અરજદારો પાસે 3 ઓગસ્ટ સુધી રાહ જોવા સિવાય કોઈ વિકલ્પ નથી.
કોવિડ-19ના પ્રતિબંધો હળવા કરાયા બાદ પાસપોર્ટ એપ્લિકેશનની સંખ્યામાં વધારો થયો છે. સમગ્ર દેશમાં સમાન ટ્રેન્ડ જોવા મળ્યો હતો, દિલ્હીમાં પહેલી ઉપલબ્ધ તારીખ ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં હતી જ્યારે મુંબઈવાસીઓ પહેલી સપ્ટેમ્બર પહેલા સ્લોટ બૂક કરી શકતા નથી.
રિજનલ પાસપોર્ટ અધિકારીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે તેમને મહિનામાં 40 હજાર અરજીઓ મળે છે. આની સામે આ વર્ષના જાન્યુઆરીથી સરેરાશ 55 હજાર અરજીઓ મળી રહી છે. કોવિડ નિયંત્રણો હળવા કરાતાં, છેલ્લા કેટલાક મહિનામાં વિદેશ જતાં વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. તેમણે જણાવ્યું હતું કે અમારો સ્ટાફ વધારે ક્ષમતા સાથે એક દિવસમાં મહત્તમ એપ્લિકેશન હેન્ડલ કરી રહ્યો છે. એકવાર એપ્લિકેશન ક્લિયર થઈ જાય પછી, પાસપોર્ટની પ્રક્રિયા ચોક્કસ સમયમર્યાદામાં થાય છે’. અમદાવાદની રિજનલ પાસપોર્ટ ઓફિસના સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારે ધસારો હોવા છતાં, રાજ્યની પાસપોર્ટ ઓફિસ દિવસમાં ઓછામાં ઓછી 750 એપ્લિકેશન હેન્ડલ કરે છે. એક સમયે, 10 હજાર એપ્લિકેશનનો ભરાવો (બેકલોગ) થયો હતો.