પાકિસ્તાન ઈમરાન ખાનની પાર્ટી ‘પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ’ (PTI) એ પંજાબ વિધાનસભાની પેટાચૂંટણીમાં વર્તમાન વડાપ્રધાન શાહબાઝ શરીફને જોરદાર આંચકો આપ્યો છે. ઈમરાનની પીટીઆઈએ 15 બેઠકો જીતી હતી, જ્યારે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન) 4 બેઠકો મળી હતી. આ જીત બાદ ઇમરાને દેશમાં નવેસરથી સંસદીય ચૂંટણી કરાવવાની પણ માંગ કરી હતી.
ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ અને વડા પ્રધાન શેહબાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ વચ્ચે એપ્રિલમાં વડાપ્રધાનપદેથી હકાલપટ્ટી કરવામાં આવ્યા બાદ આ પહેલો મોટો રાજકીય મુકાબલો હતો. શાહબાઝના પુત્ર મુખ્યપ્રધાન હમઝા શાહબાઝ પોતાનું પદ ગુમાવશે. મુખ્યપ્રધાન પદ માટેની ચૂંટણી સુપ્રીમ કોર્ટના આદેશ પર 22 જુલાઈએ યોજાશે અને PTI-PMLQના સંયુક્ત ઉમેદવાર ચૌધરી પરવેઝ ઈલાહી રાજકીય રીતે મહત્ત્વના પંજાબ પ્રાંતના નવા મુખ્યપ્રધાન બને તેવી શક્યતા છે. શરીફ પરિવારના શાસક પીએમએલ-એનએ તેની હાર સ્વીકારી લીધી હતી. અને પેટાચૂંટણીમાં વિશાળ જીત બદલ પીટીઆઈ પ્રમુખ ખાનને અભિનંદન પણ પાઠવ્યા હતા. બીજી તરફ પીએમએલ-એનનાં ઉપાધ્યક્ષ મરિયમ નવાઝે પણ પોતાની પાર્ટીની હાર સ્વીકારી હતી.