પ્રસિદ્ધ ગઝલ ગાયક ભૂપિન્દર સિંઘનું આંતરડાના કેન્સર અને કોરોનાને લગતી બીમારીને કારણે મુંબઇની એક હોસ્પિટલમાં સોમવાર રાત્રે નિધન થયું હતું, તેમ તેમના પત્ની મિતાલી સિંઘે જણાવ્યું હતું. તેઓ ૮૨ના વર્ષના હતા.
‘દુનિયા છૂટે યાર ના છૂટે’, ‘થોડી સી જમીન થોડા સા આસમાં’ અને ‘દિલ ઢૂંઢતા હૈ’ જેવા ગીતોથી સંગીતપ્રેમીઓના હૃદયમાં આગવુ સ્થાન હાંસલ કરનાર ભૂપિન્દરને એકાદ સપ્તાહ અગાઉ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમણે સાંજે ૭:૪૫ કલાકે અંતિમ શ્વાસ લીધો હતો. તેમને એક પુત્ર છે. ભૂપિન્દર સિંઘ પાંચ દાયકાની લાંબી કારકિર્દી ધરાવતા હતા.
તેમનો જન્મ પંજાબના અમૃતસરમાં થયો હતો. તેમણે મોહમ્મદ રફી, આર ડી બર્મન, લતા મંગેશકર, આશા ભોંસલે અને બપ્પી લહેરી સહિત અનેક ગાયકો સાથે ગાયિકી કરી હતી. આ ઉપરાંત તેમણે ‘દો દીવાને શહેર મેં’, અને ‘કભી કિસી કો મુકમ્મલ જહાં નહીં મિલતા’ જેવા ગીતોથી ખ્યાતિ હાંસલ કરી હતી.