ભારતમાં ૧૫માં રાષ્ટ્રપતિની 18 જુલાઈએ યોજાયેલી ચૂંટણીમાં 99 ટકાથી વધુ મતદાન થયું હતું. ભાજપના વડપણ હેઠળના સત્તાધારી એનડીએના ઉમેદવાર દ્રોપદી મુર્મુ અને વિરોધ પક્ષના યશવંત સિંહામાંથી કોણ રાષ્ટ્રપતિ ભવનમાં બેસશે તેની પસંદગી માટે થયેલા મતદાનની ગણતરી ૨૧મીએ થશે અને 25મી જુલાઈએ નવા રાષ્ટ્રપતિ હોદ્દાના શપથ ગ્રહણ કરશે. એનડીએની સ્થિતિ જોતાં મુર્મુ નિશ્ચિતપણે દેશના આગામી રાષ્ટ્રપતિ બનશે. આ ચૂંટણીમાં કોંગ્રેસ સહિત કેટલાક પક્ષના સભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું.
ચૂંટણી પંચે કહ્યું હતું કે ૯૯ ટકાથી વધુ મતદાતાઓએ તેમના મતદાનનો ઉપયોગ કર્યો હતો. દિલ્હીમાં સંસદ હાઉસમાં ૯૮.૯૦ ટકા મતદાતાઓએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વોટિંગ બાદ અધિકારીએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચે સંસદ હાઉસમાં ૭૩૬ મતદાતાઓને મતદાનની મંજૂરી આપી હતી. જેમાં ૭૨૭ સાંસદો અને ધારાસભ્યોનો સમાવેશ થતો હતો. ભાજપના સની દેઓલ સહિત આઠ સાંસદોએ મતદાન કર્યું નહતું.
ભાજપના સભ્યોની સંખ્યા વધુ હોવા ઉપરાંત બીજેડી, બીએસપી, શિરોમણિ અકાલી દળ, શિવસેના અને હવે જેએમએમ જેવા પ્રાદેશિક પક્ષોના સમર્થન સાથે મુર્મુના મતનો ફાળો આશરે બે-તૃતીયાંશ જેટલો થઇ જશે અને તેઓ દેશના આ સર્વોચ્ચ બંધારણીય હોદા પર બિરાજમાન થનાર સૌપ્રથમ આદિવાસી નેતા અને બીજી મહિલા હશે. સાંસદોએ સંસદના રૂમ નંબર ૬૩માં મતદાન કર્યું હતું. ધારાસભ્યોએ તેમના જે-તે રાજ્યોની વિધાનસભાઓમાં મતદાન કર્યું હતું. ૭૭૬ સાંસદો અને ૪૦૩૩ ધારાસભ્યો સહિત કુલ ૪,૮૦૯ મતદાતાઓ મતદાન માટે પાત્રતા ધરાવતા હતા. જોકે તેમાં નોમિનેટેડ સાંસદો અને ધારાસભ્યો ઉપરાંત વિધાનપરિષદના સાંસદો સામેલ નથી.
સંસદભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિતના નેતાઓએ મતદાન કર્યું હતું. આ ચૂંટણીમાં પરિણામ લગભગ નક્કી દેખાય છે ત્યારે યશવંત સિંહાએ સાંસદો અને ધારાસભ્યોને તેમની ‘આંતરિક અવાજ’ સાંભળવાની અપીલ કરી હતી.
મતગણતરી ૨૧ જુલાઇએ થવાની છે અને આગામી રાષ્ટ્રપતિ ૨૫ જુલાઇએ શપથ ગ્રહણ કરશે. રાષ્ટ્રપતિની આ ચૂંટણીમાં એક સાંસદના મતનું મૂલ્ય ૭૦૮થી ઘટીને ૭૦૦ થયું છે કેમ કે જમ્મુ-કાશ્મીરમાં વિધાનપરિષદ નથી. એવી જ રીતે વિવિધ રાજ્યોમાં ધારાસભ્યોના મતના મૂલ્યો પણ અલગ-અલગ છે. યુપીમાં સૌથી વધુ ૨૦૮ છે. એ પછી ઝારખંડ અને તમિલનાડુમાં ૧૭૬ છે. સાંસદોને વોટિંગ માટે લીલું બેલેટ પેપર તો ધારાસભ્યોને પિંક બેલેટ પેપર આપવામાં આવ્યું હતું.