ભારતમાં 15મા રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ રહી છે ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના સ્પીકર નીમાબેન આચાર્યે સોમવારે મતદાન કર્યું હતું. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ગાંધીનગર ખાતેના વિધાનસભા સંકુલમાં મતદાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ પણ મતદાન કર્યું હતું.
મતદાનનો પ્રારંભ સવારે 10 વાગ્યે ચાલુ રહ્યો હતો અને તે સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સત્તાધારી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)ના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ અને વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહા વચ્ચે વચ્ચે જંગ છે. ગુજરાતની વિધાનસભાની કુલ 182 બેઠકો છે, જેમાંથી 111 ધારાસભ્યો ભાજપના છે. મતદાત કર્યા બાદ ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના શિક્ષણ પ્રધાન જિતુ વાઘાણીએ જણાવ્યું હતું કે મુર્મુને રાજ્યમાં 111થી વધુ મત મળશે, કારણ કે વિરોધપક્ષના ધારાસભ્યો પણ તેમની તરફેણમાં મતદાન કરશે.