ભારતના સૌથી મોટા શેરબજાર નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના ભૂતપૂર્વ એમડી ચિત્રા રામકૃષ્ણની ગુરુવારે કેન્દ્રીય તપાસ એજન્સી ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ ધરપકડ કરી હતી. તેમની ગેરકાયદેસર રીતે ફોન ટેપિંગ અને એક્સચેન્જના કર્મચારીઓની જાસૂસી સાથે સંલગ્ન મની લોન્ડરિંગના મામલામાં ધરપકડ કરવામાં આવી છે. દિલ્હીની એક કોર્ટ રામકૃષ્ણને ચાર દિવસના કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશનને મંજૂરી આપી હતી.
ઇડીએ તેમને કોર્ટમાં રજૂ કરી નવ દિવસની કસ્ટડી માંગી હતી. કોર્ટે ઈડીને ચાર દિવસની કસ્ટડીમાં રાખવા મંજૂરી આપી હતી. સીબીઆઈએ એક અલગ મામલામાં રામકૃષ્ણની ધરપકડ કરી હતી. હાલ તે કોર્ટ કસ્ટડીમાં છે.
સીબીઆઈ દ્વારા એનએસઈના પૂર્વ એમડી ચિત્રા રામકૃષ્ણ, રવિ નારાયણ અને મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડે સામે 2009 અને 2017 વચ્ચે કથિત રીતે એનએસઈના કર્મચારીઓના ફોન ટેપ કરવાના આરોપમાં કેસ નોંધ્યો હતો. આ મામલાને લઈને ઘણી જગ્યાએ દરોડા પડાયા હતા. ચિત્રા રામકૃષ્ણ અને રવિ નારાયણ પર આરોપ છે કે, આ બંનેએ મુંબઈના ભૂતપૂર્વે પોલીસ કમિશનર સંજય પાડે દ્વારા બનાવાયેલી કંપની આઈસેફ સિક્યોરિટીઝને એનએસઈના કર્મચારીઓ પર ગેરકાયદેસર રીતે નજર રાખવા માટે કહ્યું હતું.
2013 અને 2016ની વચ્ચે એનએસઈના સીઈઓ રહી ચૂકેલા ચિત્રા રામકૃષ્ણની સીબીઆઈએ માર્ચમાં પણ એનએસઈના પૂર્વ કર્મચારી આનંદ સુબ્રમણ્યમ સાથે જોડાયેલા એક કેસમાં ધરપકડ કરી હતી. સેબીએ ચિત્રા રામકૃષ્ણ પર આનંદ સુબ્રમણ્યમને મુખ્ય સ્ટ્રેટેજિક એડવાઈઝરના રૂપમાં નિમણૂક આપવા માટે નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો.