લોકસભા સચિવાલયે જારી કરેલી બિનસંસદીય શબ્દોની યાદીના મુદ્દે સરકાર અને વિપક્ષ વચ્ચે મોટો વિવાદ ઊભો થયો છે. સંસદમાં કેટલાંક શબ્દોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયને વિરોધ પક્ષોએ સરકારનો ગેગ ઓર્ડર ગણાવ્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે ભાજપ ભારતને કેવી રીતે બરબાદ કરી રહ્યું છે તે દર્શાવવા વિપક્ષ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા તમામ શબ્દોને હવે બિનસંસદીય જાહેર કરાયા છે.
આ વિવાદ વકરતા લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ સ્પષ્ટતા કરવી પડી હતી. તેમણે જણાવ્યું હતું કે સંસદમાં ઉપયોગ માટે કોઇ શબ્દ પર પ્રતિબંધ મૂકાયો નથી, પરંતુ કેટલાંક સંદર્ભમાં તેને કાઢી નાંખવામાં આવ્યા છે. સભ્યો ગૃહના શિષ્ટાચારનું સન્માન કરીને પોતાના અભિપ્રાય રજૂ કરી શકે છે.
લોકસભા સચિવાલયે બુધવારે એક નવી પુસ્તિકા જારીને જણાવ્યું હતું કે જુમલાવીર, બાલબુદ્ધિ, કોવિડ સ્પ્રેડર, સ્નૂપગેટ, શરમજનક, ભ્રષ્ટ, ડ્રામા જેવા શબ્દો હવે લોકસભા અને રાજ્યસભામાં બિનસંસદીય ગણવામાં આવશે. આમાંથી કેટલાંક શબ્દો એવા છે કે જેમનો સામાન્ય ભાષામાં પણ ઉપયોગ થાય છે. આ યાદી જાહેર થતાં વિપક્ષો વિફર્યા હતા.
બિનસંસદીય શબ્દોની આ યાદીને ‘નવા ભારતની નવી ડિસ્કનરી’ ગણાવીને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે પીએમ મોદીના વહીવટીતંત્રનું સાચુ ચિત્રણ કરવા ચર્ચા અને ડિબેટમાં ઉપયોગમાં લેવામાં આવતા શબ્દો પર હવે પ્રતિબંધ મૂકાયો છે
કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશે જણાવ્યું હતું કે મોદી સરકારની વાસ્તવિકતાનું વર્ણન કરવા વિપક્ષ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા તમામ શબ્દો હવે બિનસંસદીય ગણાશે. હવે બીજુ શું વિશ્વગુરુ. તૃણમૂલ કોંગ્રેસના ડેરેક ઓબ્રાયને વધુ આક્રમણ વલણ અપનાવીને જણાવ્યું હતું કે તેઓ આ શબ્દોનો ઉપયોગ કરશે. સરકારમાં હિંમત હોય તો તેમની સામે કાર્યવાહી કરે. તેમણે જણાવ્યું હતું કે થોડા દિવસોમાં ગૃહનું સત્ર ચાલુ થઈ રહ્યું છે, ત્યારે સાંસદો પર ગેગ ઓર્ડર જારી કરાયો છે. વિરોધ પક્ષોએ આક્ષેપ કર્યો હતો કે બિનસંસદીય શબ્દોની પસંદગી કરવા પાછળ કેન્દ્રની ભાજપના વડપણ હેઠળની સરકારનો હાથ છે. જોકે સ્પીકરે આ આક્ષેપને નકારી કાઢ્યો હતો.
નવુ સૂચન કે આદેશ નથી, પરંતુ કાઢી નખાયેલા શબ્દોનું સંકલન છેઃ સરકાર
બિનસંસદીય શબ્દો અંગે વિવાદ ઊભો થતાં સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે તે કોઇ સૂચન કે આદેશ નથી, કારણ કે આ શબ્દોને સંસદ અને રાજ્ય વિધાનસભાના પ્રિસાઇડિંગ ઓફિસરોએ અગાઉથી કાઢી નાંખેલા છે. આ શબ્દોને યુપીએ શાસન દરમિયાન પણ બિનસંસદીય ગણવામાં આવ્યા હતા. છેલ્લાં એક વર્ષમાં બિનસંસદીય શબ્દોની આ યાદીમાં 62 નવા શબ્દોનો ઉપયોગ કરાયો છે અને કેટલાંક શબ્દો સમીક્ષા હેઠળ છે.સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે આ યાદી એક નવું સૂચન નથી, પરંતુ લોકસભા, રાજ્યસભા અને રાજ્ય વિધાનસભાઓએ કાઢી નાંખેલા શબ્દોનું સંકલન છે.