ભારત સરકાર છેલ્લા કેટલાક સમયથી ચીનની કંપનીઓ પર ચાંપતી નજર રાખી રહી છે ત્યારે સ્માર્ટફોન ઉત્પાદક ઓપ્પોને ઇમ્પોર્ટ ડ્યૂટીની ચોરીના મામલે બુધવારે રૂ.૪,૩૮૯ કરોડની નોટિસ આપવામાં આવી હતી. નાણામંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે, થોડા સમય પહેલાં ઓપ્પોના વિવિધ સંકુલમાં સર્ચની કાર્યવાહી પછી જપ્ત કરાયેલા દસ્તાવેજોને આધારે કંપનીને ૮ જુલાઇએ કારણદર્શક નોટિસ આપવામાં આવી છે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર કંપનીની ઓફિસોમાંથી મળેલા દસ્તાવેજમાં અમુક આયાત, રોયલ્ટીના રેમિટન્સ તેમજ ચીન સહિતની મલ્ટિનેશનલ કંપનીઓને ચૂકવેલી લાઇસન્સ ફી બાબતે ઇરાદાપૂર્વક ખોટી માહિતી આપવામાં આવી હોવાનું જણાયું છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઓપ્પો મોબાઇલ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની તપાસમાં ડાયરેક્ટરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (DRI) એ કસ્ટમ્સ ડ્યૂટીની રૂ.૪,૩૮૯ કરોડની ચોરી પકડી હતી.
ઓપ્પો ઇન્ડિયાએ સમગ્ર ઘટનાક્રમ અંગે જણાવ્યું હતું કે, “કંપની કારણદર્શક નોટિસમાં દર્શાવેલા આરોપો અંગે ‘અલગ મત’ ધરાવે છે. તે આ બાબતે કાનૂની ઉકેલ સહિત યોગ્ય પગલાં લેશે. અમે કારણદર્શક નોટિસનો અભ્યાસ કરી રહ્યા છીએ અને આગામી સમયમાં તેનો જવાબ આપીશું.”