સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં સુધારા અંગેની વિવિધ દેશો વચ્ચેની મંત્રણાને પાછી ઠેલવાના યુએન સામાન્ય સભાના (UNSC)ના નિર્ણયની ભારતે આકરી ટીકા કરી છે. ભારતે જણાવ્યું હતું કે હાલના સ્વરૂપમાં જો મંત્રણા કરવામાં આવશે તો તે બીજા 75 વર્ષ સુધી લંબાઈ શકે છે. સુરક્ષા પરિષદમાં સુધારાની મંત્રણામાં આશરે ચાર કાયદાથી કોઇ પ્રગતિ થઈ નથી અને યુએનની સામાન્ય સભાનો આ મંત્રણાને લટકાવી રાખવાનો નિર્ણય દર્શાવે છે કે આ મંત્રણાને ફરી ચાલુ કરવાની વધુ એક તક વેડફી નાંખવામાં આવી છે.
193 સભ્યોની યુએનની સામાન્ય સભાએ મંગળવારે સુરક્ષા પરિષદમાં સુધારા અંગે મૌખિક નિર્ણયનો મુસદ્દો સ્વીકારીને આ અંગેની આંતર-સરકારી મંત્રણા (આઇજીએન)ને યુએન જનરલ એસેમ્બલીના 77માં સેશનમાં લઈ જવાનો નિર્ણય કર્યો હતો. યુએનનું 77મું સેશન આ વર્ષના સપ્ટેમ્બરમાં ચાલુ થશે.
યુએનમાં ભારતના કાયમી મિશનના ચાર્જ-ડી અફેર્સ એમ્બેસેડર આર રવિન્દ્રએ જણાવ્યું હતું કે ભારત તેના વલણમાં સાતત્ય સાથે જણાવે છે કે આ મંત્રણાને લટકાવી રાખવાનો નિર્ણય અવિચારી ટેકનિકલ કવાયત છે. અમે માનીએ છીએ કે આ ટેકનિલ રોલ-ઓવર નિર્ણય ચાર દાયકાથી કોઇ પ્રગતિ થઈ નથી તેવા પ્રક્રિયામાં નવસંચાર લાવવાની તક વેડફી નાંખવામાં આવી છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રોસિજરના જીએ નિયમના અમલ વગર, સત્તાવાર પ્રોસેજિરના રેકોર્ડ વગર અને મંત્રણાના એકપણ મુદ્દા વગરની હાલના સ્વરૂપ અને રૂપરેખા સાથેની આ મંત્રણા કોઇપણ પ્રગતિ વગર વધુ 75 વર્ષ લંબાઈ શકે છે.
તેમણે કહ્યું હતું કે યુનાઇટેડ નેશન્સના જવાબદાર અને રચનાત્મક સભ્ય તરીકે ભારત સુધારા તરફી દેશોની સાથે આ પ્રક્રિયા માટેના પ્રયાસો ચાલુ રાખશે અને પુનરાવર્તિત પ્રવચનોની જગ્યાએ મુસદ્દા આધારિત મંત્રણા માટે પ્રયાસ કરતું રહેશે. સિક્યોરિટી કાઉન્સિલમાં સુધારાની તરફેણ કરતાં દેશો વહેલા અને સર્વગ્રાહી સુધારાની આકાંક્ષા રાખે છે અને આવા દેશોને આંતર સરકારી મંત્રણા સિવાયના માર્ગની વિચારણા કરવાની ફરજ પડી શકે છે.
ભારત લાંબા સમયથી સિક્યોરિટી કાઉન્સિલમાં સુધારાની તરફેણ કરી રહ્યું છે. ભારત જણાવે છે કે આ કાઉન્સિલના કાયમી સભ્ય તરીકે તેને સ્થાન મળવું જોઇએ. સિક્યોરિટીઝ કાઉન્સિલ હાલના સ્વરૂપમાં 21મી સદીની ભૂ-રાજકીય વાસ્તવિકતાનું પ્રતિનિધિત્વ કરતું નથી. ભારત ઉપરાંત બ્રાઝિલ, જર્મની અને જાપાન પણ સિક્યોરિટી કાઉન્સિલની કાયમી અને બિનકાયમી બેઠકોમાં વધારો કરીને તેમાં સુધારા કરવાની માગણી કરી રહ્યાં છે.