ટોરી રેન્કમાં નોંધપાત્ર સમર્થન ધરાવતા અને બુકીઓના જણાવ્યા મુજબ વડા પ્રધાન પદ માટે સૌથી લોકપ્રિય એવા 42 વર્ષીય ભૂતપૂર્વ ચાન્સેલર ઋષી સુનકે શુક્રવાર તા. 8ના રોજ ઔપચારિક રીતે યુકેને “સાચી દિશામાં લઇ જવાના વચન સાથે કન્ઝર્વેટિવ પાર્ટીના નવા નેતા અને ભાવિ વડા પ્રધાન તરીકે ઉમેદવારી જાહેર કરી હતી. સુનકે #Ready4Rishi અભિયાનની શરૂઆત ટ્વિટર પર એક સંદેશ સાથે શરૂ કરી હતી જેમાં ભારતીય મૂળના દાદા-દાદી અને ઇસ્ટ આફ્રિકા થઈને યુકેમાં માઇગ્રેશન કરનારા માતા-પિતા અને પોતાની બાળપણની તસવીરો ધરાવતો વીડિયો રજૂ કર્યો હતો.
સુનકે તેના #Ready4Rishi સોશિયલ મીડિયા અભિયાન લોન્ચ વિડિયોમાં કહ્યું હતું કે “હું કન્ઝર્વેટિવ પાર્ટીનો આગામી નેતા અને તમારા વડા પ્રધાન બનવા માટે ઊભો છું. ચાલો વિશ્વાસને પુનઃસ્થાપિત કરીએ, અર્થવ્યવસ્થાનું પુનઃનિર્માણ કરીએ અને દેશને ફરીથી જોડીએ. કોઈએ તો આ ક્ષણને પકડવી પડશે અને યોગ્ય નિર્ણયો લેવા પડશે. જ્યારે અમે કોવિડના દુઃસ્વપ્નનો સામનો કર્યો ત્યારે મેં સરકારમાં સૌથી મુશ્કેલ વિભાગ ચલાવ્યો હતો. આપણો દેશ વિશાળ પડકારોનો સામનો કરી રહ્યો છે, જે એક પેઢી માટે સૌથી ગંભીર છે.”
ઈન્ફોસીસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિના 42 વર્ષીય જમાઈ ઋષી સુનકને હાઉસ ઓફ કોમન્સના નેતા માર્ક સ્પેન્સર, ભૂતપૂર્વ પાર્ટી ચેરમેન ઓલિવર ડાઉડેન અને ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી લિયામ ફોક્સ સહિત સંસદના ઘણા વરિષ્ઠ ટોરી સભ્યોનું જાહેર સમર્થન પ્રાપ્ત થયું છે.
2015થી યોર્કશાયરના રિચમન્ડના સાંસદ તરીકે સેવા આપતા સુનકે જણાવ્યું હતું કે ‘’આર્થિક પરિસ્થિતિ અને ફુગાવો સ્થિર થાય ત્યાં સુધી ટેક્સ કાપ માટે રાહ જોવી પડશે. મારા સહકર્મીઓ તરફથી મને અત્યાર સુધી જે સમર્થન મળ્યું છે તેના માટે હું અતિશય આભારી છું. શું આપણે આ ક્ષણનો પ્રામાણિકતા, ગંભીરતા અને નિશ્ચય સાથે સામનો કરીએ છીએ કે પછી આપણી જાતને દિલાસો આપતી પરીકથાઓ કહીએ છીએ, જે આપણને આ ક્ષણે સારું લગાડી શકે છે પરંતુ આવતીકાલે આપણા બાળકોની સ્થિતી વધુ ખરાબ કરશે. મારા માટે કુટુંબ જ સર્વસ્વ છે અને મારા પરિવારે મને એવી તકો આપી કે જેનું તેઓ માત્ર સ્વપ્ન જ જોઈ શકે. પરંતુ તે બ્રિટન હતું, આપણો દેશ, જેણે તેમને અને તેમના જેવા લાખો લોકોને વધુ સારા ભવિષ્યની તક આપી હતી.’’
તેમણે કહ્યું હતું કે “હું રાજકારણમાં આવ્યો, કારણ કે હું ઈચ્છું છું કે આ દેશમાં દરેકને સમાન તકો મળે, તેઓ તેમના બાળકોને સારું ભવિષ્ય આપી શકે. આપણો દેશ વિશાળ પડકારોનો સામનો કરી રહ્યો છે, જે એક પેઢી માટે સૌથી ગંભીર છે અને આજે આપણે જે નિર્ણયો લઈએ છીએ તે નક્કી કરશે કે બ્રિટિશ લોકોની આગામી પેઢીને પણ વધુ સારા ભવિષ્યની તક મળશે કે કેમ. અમારી પાસે પૂરતું વિભાજન છે. રાજનીતિ શ્રેષ્ઠ રીતે એકીકૃત કરવાનો પ્રયાસ છે અને મેં મારી કારકિર્દી લોકોને એકસાથે લાવવામાં વિતાવી છે, કારણ કે તે સફળ થવાનો એકમાત્ર રસ્તો છે.”
શું તેઓ યુકેના પ્રથમ ભારતીય મૂળના વડા પ્રધાન બની શકે છે તેવા પ્રશ્નના જવાબમાં ગયા અઠવાડિયે પત્રકારોને જણાવ્યું હતું કે “હું જ્યાંથી આવ્યો છું તેના પર મને અતિ ગર્વ છે. તે હંમેશા હું કોણ છું તેનો એક મોટો ભાગ રહેશે. અને તે મને એક એવા દેશમાં રહેવાનો, અને સંબંધમાં રહેવાનો આનંદ આપે છે જ્યાં મારા જેવો કોઈ ચાન્સેલર બની શકે છે. અમારું કાર્ય હવે એ સુનિશ્ચિત કરવાનું છે કે તે બ્રિટિશ ભારતીય વાર્તાનો અંત નથી, પરંતુ શરૂઆત છે.’’
સામાન્ય મત એવો છે કે બ્રેક્ઝિટ તરફી સુનક વિભાજિત થયેલી ગવર્નિંગ ટોરી પાર્ટીને એક કરી શકે છે અને ભૂતપૂર્વ ચાન્સેલર તરીકે યુકે સામેના વિશાળ આર્થિક પડકારોનો સામનો કરવા માટે શ્રેષ્ઠ સ્થાન ધરાવે છે.
જૉન્સનના વફાદારો તરફથી સુનકની ટીકા કરાઇ રહી છે અને તેમના પર ભૂતપૂર્વ બોસ વિરુદ્ધ કાવતરું ઘડવાનો આરોપ મૂક્યો છે. તેમનો ત્વરીત વિડિઓ, વેબસાઇટ Ready4Rishiની નોંધણી જોતાં લોકો માને છે કે તેઓ ઘણાં સમયથી તૈયારી કરતા હતા. જો કે, સુનકની શિબિર ભારપૂર્વક જણાવે છે કે આ વિડીયો તેમના નમ્ર ભારતીય મૂળના કૌટુંબિક વારસાના ખૂબ જ અંગત રેફરન્સ સાથેનો છે અને તેમના નાની શ્રક્ષા ઇસ્ટ આફ્રિકાથી બ્રિટન આવ્યા તે દર્શાવે છે જે જૉન્સનના રાજીનામાના કલાકોમાં એકસાથે મૂકાયો હતો.
પરંપરાગત રીતે ઓછા ટેક્સની તરફેણ કરતી કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવારો લોકોનો પ્રેમ મેળવવા ટેક્સ ઘટાડવાની યોજનાઓ પર વધુ અપેક્ષા રાખે છે.
સુનકને લાંબા સમયથી 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં જૉન્સનના વારસદાર તરીકે જોવામાં આવે છે અને માનવામાં આવે છે કે તેમણે પોતાની ઉમેદવારી શરૂ કરવા માટે ટોરી પાર્ટીના નોંધપાત્ર હિસ્સાનો ટેકો મેળવ્યો હતો.
દરિયાકાંઠાના ઇગ્લિશ નગર સાઉધમ્પ્ટનનાંમાં જન્મેલા અને મોટા થયેલા સુનકે બ્રિટનને “પુરસ્કાર આપનારી કર્મભૂમિ” તરીકે ઓળખાવ્યું છે જ્યાં તેને GP પિતા યશવીર અને ફાર્માસિસ્ટ માતા ઉષાએ સેવો આપી હતી. ઓક્સફર્ડ અને સ્ટેનફર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થી સુનકે 2016માં બ્રેક્ઝિટ જનમત પહેલાં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને ફેબ્રુઆરી 2020માં ચાન્સેલરનું ટોચનુ પદ મેળવ્યું હતું.
તેઓ વિવિધ ગ્રાન્ટ્સ અને ફર્લો જેવી નોકરી બચાવતી યોજનાઓ દ્વારા ખૂબ જ લોકપ્રિય સાબિત થયા હતા. જો કે, તાજેતરના મહિનાઓમાં તેમની લોકપ્રિયતામાં મોંઘવારી અને કેટલાક કડક ટેક્સ વધારાના કોલના કારણે થોડો ઘટાડો થયો હતો.
- જૉન્સનના નેતૃત્વનો વિરોધ કરી પ્રધાનપદ છોડનાર પૂર્વ સાયન્સ મિનિસ્ટર જ્યોર્જ ફ્રીમેન માને છે કે નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી જૉન્સનને બદલે કેર ટેકર વડા પ્રધાનને સ્થાન આપવું જોઈએ.”
- એટર્ની જનરલ સુએલા બ્રેવરમેને કેબિનેટમાંથી રાજીનામું આપ્યા વગર જ જોન્સનને આપેલો ટેકો પાછો ખેંચતા જણાવ્યું હતું કે “મને કહેતા દુઃખ થાય છે, હું વડાપ્રધાનની પ્રશંસક અને લાંબા સમયથી સમર્થક રહી છું, પરંતુ હકીકતો નિર્વિવાદ છે કે તેઓ પૂરતી સંખ્યામાં લોકોનો વિશ્વાસ ધરાવતા નથી.’
- બિઝનેસ સેક્રેટરી ક્વાસી ક્વાર્ટેંગે કહ્યું હતું કે “બિનજરૂરી નુકસાન થયું છે. અમને હવે શક્ય તેટલી વહેલી તકે નવા નેતાની જરૂર છે, જે વિશ્વાસનું પુનઃનિર્માણ કરી શકે, દેશને સાજો કરી શકે અને પરિવારોને મદદ કરવા માટે એક નવો, સમજદાર અને સુસંગત આર્થિક અભિગમ નક્કી કરી શકે.”
- હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે કહ્યું હતું કે રાજીનામું આપવાની તેમની કોઈ યોજના નથી પણ તેમણે વડા પ્રધાનને જણાવ્યું હતું કે તેમના નેતૃત્વનો સમય પૂરો થઈ ગયો છે.
- સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર લેવલીંગ અપ, માઈકલ ગોવે વડા પ્રધાનને જણાવ્યું હતું કે તેમના માટે નેતા પદ છોડી દેવાનો સમય આવી ગયો છે. જો કે જૉન્સને તેમને ડાઉનિંગ સ્ટ્રીટ પરથી ફોન કરી મંત્રી પદ પરથી દૂર કરાયા હોવાનું જણાવ્યું હતું.