મેટ ઑફિસે ચેતવણી આપી છે કે રવિવારે ઘાતક 100 ફેરનહીટ ગરમી પડશે અને આ હીટવેવ મંગળવાર સુધી ચાલશે. જેને કારણે જંગલોમાં આગ લાગવાના, રસ્તાઓ પરનો ડામર ઓગળવાના બનાવો બની શકે છે. સાવચેતી ખાતર ટ્રેનો 20 માઇલ પ્રતિકલાક ચલાવવાના આદેશ અપાયા છે. બ્રિટન તેના રેકોર્ડરૂપ સૌથી ગરમ દિવસ માટે તૈયાર થઇ રહ્યું છે.
યુકેમાં તાપમાન વિકેન્ડ દરમિયાન 40 ડીગ્રી સેન્ટીગ્રેડ (104 ફેરનહીટ) થવાની ધારણા છે. હવામાન કચેરીએ એમ્બર એલર્ટ જાહેર કરી રવિવાર અને સોમવારે ‘લોકો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વ્યાપક અસર થશે તેવી ચેતવણી આપી છે. ટ્રેડ્સ યુનિયન કોંગ્રેસે સ્ટાફને ઘરેથી કામ કરવાની મંજૂરી આપવા માટે હાકલ કરી છે. સરકારે કોબ્રા બેઠક યોજી પ્રથમ નેશનલ હીટવેવ ઈમરજન્સી રિસ્પોન્સ માટે યોજનાઓ તૈયાર કરી છે. લોકોને હંમેશા પાણીની બોટલ સાથે રાખવા અને બહાર હો ત્યારે સતત પાણી પીતા રહેવા જણાવાયું છે. બાળકોને અને પુખ્ત વયના લોકોને સનસ્ક્રીન લગાવીને જ બહાર નીકળવા ભલામણ કરાઇ છે.
હવામાનશાસ્ત્રીઓ માનો છે કે ગરમી ‘સંભવતઃ રવિવાર અને સોમવારે ટોચ પર રહેશે અને કેટલાક સ્થળોએ મંગળવાર સુધી ટકી શકે છે.
ગરમીના કારણે ટ્રાવેલ નેટવર્ક પર અસર અને પાવર બ્લેકઆઉટની શક્યતાઓ છે. આ ગરમી કેટલાક લોકો માટે ‘સંભવિત ગંભીર બીમારી અથવા જીવન માટે જોખમ’નું કારણ બની શકે છે. નોર્ફોકમાં ફાયર ક્રૂને છેલ્લા 48 કલાકમાં 50 થી વધુ આગના કોલ મળ્યા હતા. સુકાયેલું ઘાસ એક સ્પાર્કથી મોટા વિસ્તારોને સળગાવી શકે તેવી ચેતવણીઓ અપાઇ છે. નોર્ફોક અને સફોકને જોડતા સ્ટોનહામ બાર્ન્સનો A140 રોડ ગરમીમાં ઓગળવા માંડતા સમારકામની જરૂર પડી છે. ભીડનો ડેટા દર્શાવે છે કે આ અઠવાડિયે વધુ સ્ટાફ ઘરેથી કામ કરી રહ્યો છે.
દેશનું અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન 15 જુલાઈ, 2019ના રોજ કેમ્બ્રિજમાં 38.7 સેલ્સીયસ (101.6F) નોંધાયું હતું. મનાય છે કે યુકે આ મહિનાના અંત સુધીમાં તેનું સૌથી ગરમ તાપમાન રેકોર્ડ કરશે.
સોમવારે વેસ્ટ લંડનમાં નોર્થોલ્ટ ખાતે 32 સેલ્સીયસ (89.6F) તાપમાન નોંધાયું હતું. મંગળવારે સવારે, લંડનમાં 9 વાગ્યા સુધીમાં તાપમાન 28 સેલ્સીયસ (82 ફેરનહીટ) પર પહોંચી ગયું હતું, જ્યારે સફોકમાં 26 સેલ્સીયસ, નોરીચ, એસેક્સ, ડોર્સેટ, કેમ્બ્રિજશાયર અને વેસ્ટ સસેક્સ જેવી કાઉન્ટીઓમાં 25 સેલ્સીયસ થયું હતું. લંડનમાં ગયા રવિવારે તા. 10ના રોજ 30.1 સેલ્સીયસ (86.2F), શનિવારે 27.5 સેલ્સીયસ (81.5F), અને શુક્રવારે 29.3 સેલ્સીયસ (84.7F) તાપમાન નોંધાયું હતું. આ અઠવાડિયે તાપમાન પહેલાથી જ 32 ડીગ્રી સેલ્સીયસ (90F) પર પહોંચી ગયું છે.
RAC એ સમગ્ર ઈંગ્લેન્ડ અને વેલ્સમાં વાહનચાલકોને ચેતવણી આપી છે કે તેઓ વાહન ચલાવતા પહેલા કાળજીપૂર્વક વિચારે અને બ્રેકડાઉનને ટાળવા માટે કુલન્ટ અને ઓઇલ ચેક કરવા સહિત શક્ય તેટલું બધું કરે.
ગરમીની આગાહીને કારણે બાળકોની ફૂટબોલ મેચો; વેસ્ટ લંડનના ચીઝીકના ચીઝ માર્કેટ; અને લિંકનશાયરના ડોગ સેન્ચુરી ઓપન ડે રદ કરાયા છે. નેટવર્ક રેલે સંભવિત વિક્ષેપની ચેતવણી ચેતવણી આપી છે. ટ્રેક બકલિંગને ટાળવા માટે સમગ્ર યુકેમાં ટ્રેન સેવાઓની ઝડપ ઘટાડવામાં આવશે. શાળાઓમાં વિદ્યાર્થીઓને બ્લેઝર અને જમ્પર પહેરવામાંથી મુક્તિ અપાઇ છે અને પાણીના બોટલ સદાય સાથે રાખવા સલાહ અપાઇ છે. 30 સેલ્સીયસથી વધુ ગરમી હોય તો બાળકોની રમતગમતો, મેચીસ, કેમ્પ બંધ રાખવા અપીલ કરાઇ છે.
બ્રિટનના દસ સૌથી ગરમ દિવસો
1) 38.7C – જુલાઈ 25, 2019
2) 38.5C – 10 ઓગસ્ટ, 2003
3) 37.8C – જુલાઈ 31, 2020
4) 37.1C – 3 ઓગસ્ટ, 1990
5) 36.7C – જુલાઈ 1, 2015
5) 36.7C – 9 ઓગસ્ટ, 1911
7) 36.6C – 2 ઓગસ્ટ, 1990
8) 36.5C – જુલાઈ 19, 2006
9) 36.4C – 7 ઓગસ્ટ, 2020
9) 36.4C – ઓગસ્ટ 6, 2003