સમગ્ર ભારત દેશની બંધારણીય વ્યવથાઓના સુચારુ સંચાલનને સુનિશ્ચીત કરતા યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ના સૌથી યુવાન અને સર્વપ્રથમ ગુજરાતી ચૅરમૅન ડૉ. મનોજભાઈ સોની આગામી તા. 13 જુલાઈના રોજ યુ.કે.ના ડેન્હામ સ્થિત અનુપમ મિશનની મુલાકાતે પધારી રહ્યા છે.
અનુપમ મિશનમાં એક સપ્તાહના રોકાણ દરમિયાન તેઓ અનેક કાર્યક્રમોમાં સહભાગી થશે. તેઓ અનુપમ મિશન દ્વારા નિર્માણ પામનાર ઇંગ્લેન્ડના સર્વ પ્રથમ હિન્દુ અંત્યેષ્ઠી સંસ્કાર ભવન-સ્મશાનધામ ‘ઑમ ક્રિમેટોરિયમ’નાં ભૂમિપૂજન પ્રસંગે હાજરી આપશે અને ભારતીય સંસ્કૃતિનાં સનાતન મૂલ્યોને સંવર્ધિત કરવા માગદર્શન પ્રદાન કરશે.
અનુપમ મિશનના અધિષ્ઠાતા ગુરૂહરિ સંતભગવંત સાહેબજીના દિવ્ય સાન્નિધ્યમાં ઇંગ્લૅન્ડમાં યોજાનાર અનેકનવિધ સામાજીક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કાયક્રમોમાં ઉપસ્થિત રહીને સૌ ઇંગ્લૅન્ડવાસી ભક્તોને લાભ આપશે.
પોલિટીકલ સાયન્સમાં પીએચડીની પદવી પ્રાપ્ત કરનાર ડૉ. મનોજભાઈ શાસ્ત્ર, કલા, અધ્યાત્મ આદિ અનેક ક્ષેત્રે પ્રભુત્વ ધરાવે છે. તેમના દ્વારા લખાયેલા મહાનિબંધો રાષ્ટ્રિય-આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે પ્રસદ્ધિ પામ્યા છે અને પ્રકાશિત થયા છે. સરદાર પટેલ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકેની સેવાઓ દરમિયાન તેઓ અનેક વિદ્યાર્થીઓના સાચા માર્ગદર્શક બન્યા હતા. તેમણે મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી અને ડૉ. બાબાસાહેબ આંબેડકર ઑપન યુનિવર્સિટીના સૌથી યુવાન વાઇસ ચાન્સેલર તરીકે સેવાઓ આપી છે.
ડૉ. મનોજભાઈ અનુપમ મિશનના વરિષ્ઠ સદગુરુ સંત છે. તેમનું સમગ્ર જીવન પ્રેરણાદાયી રહ્યું છે અને અનેક લોકોને પારિવારિક મૂલ્યોનાં જતન, સમાજસેવા, રાષ્ટ્રસેવા અને વૈશ્વિક સેવા માટે પ્રેર્યા છે. અનેક ભાષાઓ પર પ્રભુત્વ ધરાવતા કાર્યદક્ષ, કુશળ વહીવટકર્તા પૂ. મનોજદાસજી બહુમુખી પ્રતિભાઓનો અણમોલ ભંડાર છે. તેમણે સંસ્કૃત ભાષામાં અનેક સ્તોત્રો અને શ્લોકોની રચના કરી છે તેમજ ગુજરાતી ભાષામાં કીર્તનો અને આધ્યાત્મિક ગ્રંથો લખ્યા છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રબોધિત શ્રી અક્ષરપુરુષોત્તમ ઉપાસનાના શુધ્ધ અને સનાતન સિધ્ધાંતોનાં વિશ્લેષણ, સમજણ અને માર્ગદર્શન અર્થે સદગુરુ પૂ. મનોજદાસજીનું પ્રદાન વંદનીય છે.
અનુપમ મિશનના સંતભગવંત સાહેબજીને ગુરુ સ્વરૂપે સ્વીકારીને પૂ. મનોજદાસજીએ સવોત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે.
સંપર્ક : પૂજ્ય હિંમત સ્વામીજી (અનુપમ મિશન): +44 7940 937 375.