કન્ઝર્વેટિવ હોમ પોલમાં જાણવા મળ્યું છે કે સુનક ટોરી સભ્યોના રન-ઓફ બેલેટમાં તેના મુખ્ય હરીફો સામે હારી જશે. પેની મૉર્ડાઉન્ટને કન્ઝર્વેટિવ હોમ વેબસાઇટ પર કાર્યકરોના મતદાનમાં ટોચનું સ્થાન મળ્યું છે. આ સર્વેમાં સુનકને 31 ટકા અને પેની મૉર્ડાઉન્ટને 58 ટકા મત મળે છે. બીજી તરફ જો લીઝ ટ્રસ આખરી ઉમેદવાર તરીકે પસંદ થાય તો તેમને 51 ટકા અને સુનકને 34 ટકા મત મળે છે.
કન્ઝર્વેટિવ હોમ પોલમાં જાણવા મળ્યું છે પેનીને ટોરી સભ્યો પ્રથમ, કેમી બેડેનોચને બીજા, ઋષિ સુનકને ત્રીજા ક્રમે અને સુએલા બ્રેવરમેનને ચોથા ક્રમે પસંદ કરે છે. આ સર્વે વૈજ્ઞાનિક ન હોવા છતાં સાંસદો અને મંત્રીઓ દ્વારા તેને નજીકથી જોવામાં આવે છે. કેમ કે આ મત જોઇને તેઓ કયા ઉમેદવારને સમર્થન આપવું તે નક્કી કરે છે.
ચેનલ 4 ન્યૂઝ માટે ટોરી સભ્યોના ઓપિનિયમ પોલમાં જાણવા મળ્યું હતું કે સુનક શ્રીમતી ટ્રસ અને શ્રીમતી મોર્ડાઉન્ટને રન-ઓફમાં હરાવશે.
બીજી તરફ બૂકીઓના મતે હજુ સુનક લોકપ્રિય છે. ઋષિ સુનકને બુકીઝ ઓડ્સમાં 6/4 ફેવરિટ, પેની મોર્ડાઉન્ટને 9/4, લિઝ ટ્રસને 7/2, સાજીદ જાવિદને 66/1, નદીમ ઝહાવીને 50/1, ટોમ તુગન્ધાતને 12/1, સુએલા બ્રેવરમેનને 50/1, જેરેમી હન્ટને 50/1 અને કેમી બેડેનોચને 12/1 ઓડ્સ મળે છે.
‘ધ ડેઇલી ટેલિગ્રાફ’માં ટોરી પાર્ટીના સભ્યોના તાજેતરના કરાયેલા YouGov પોલમાં, ડીફેન્સ સેક્રેટરી બેન વોલેસ આગામી વડા પ્રધાન બનવા માટે સૌથી આગળ છે. તો બીજી તરફ ‘ઓડ્સચેકર યુકે’ના જણાવ્યા મુજબ, પૂર્વ ચાન્સેલર ઋષી સુનક બુકીઓની નજરે સ્પષ્ટ લીડ સાથે ટોચ પર બિરાજે છે. તેમના પછી ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસ અને યુકેના ડિફેન્સ સેક્રેટરી બેન વોલેસ જેવા અન્ય સંભવિત ઉમેદવારોના નામ આવે છે.
YouGov સર્વે મુજબ જો વોલેસ ચૂંટણી લડવાનું પસંદ કરે અને અંતિમ બે ઉમેદવારોમાં સ્થાન મેળવે તો તેઓ ટોચ પર હોઈ શકે છે. તેઓ 13 ટકા મત ધરાવે છે. જુનિયર મિનિસ્ટર પેની મોર્ડાઉન્ટ 12 ટકા અને પૂર્વ ચાન્સેલર સુનાક 10 ટકા મત ધરાવે છે. ભૂતપૂર્વ ફોરેન સેક્રેટરી જેરેમી હંટ, જેઓ 2019 કન્ઝર્વેટિવ લીડરશીપ હરીફાઈમાં બીજા ક્રમે આવ્યા હતા તેઓ અને નવા ચાન્સેલર નદીમ ઝહાવી 5 ટકા મત ધરાવે છે. ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસ 8 ટકા મત ધરાવે છે.
કન્ઝર્વેટિવ્સમાં કરાયેલા એક ઓપિનિયમ પોલમાં સુનકને 25 ટકા અને ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસને 21 ટકા મત મળ્યા હતા. ચેનલ 4 ન્યૂઝના ઓપિનિયમ પોલમાં 493 પક્ષના સભ્યોની સલાહ લેવામાં આવી હતી. બુકીઓએ સુનકને રેસ જીતવાની 23.3 ટકા તક આપી છે જ્યારે જાવિદની સફળતાની તકો 5.9 ટકા છે.