ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે એજબેસ્ટન રમાયેલી પાંચમી ટેસ્ટ મેચમાં વંશિય ટીપ્પણીના કેસમાં બર્મિંગહામ પોલીસે શુક્રવારે 32 વર્ષના એક વ્યક્તિની ધરપકડને પુષ્ટી આપી હતી. બંને દેશો વચ્ચેની ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતીય ચાહકોએ ટ્વીટર પર ફરિયાદ કરી હતી કે સ્ટેડિયમમાં બીજા ચાહકોએ તેમને વંશિય ગેરવર્તણુકનો શિકાર બનાવ્યા હતા.
બર્મિંગહામ પોલીસે ટ્વીટ કરીને જણાવ્યું કે, એજબેસ્ટન ટેસ્ટ મેચમાં ભારતીય દર્શકો સાથે વંશીય ગેરવર્તણૂકની ફરિયાદને આધારે જાહેરહુકમના ઉલ્લંઘન બદલ 32 વર્ષના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ માટે તે પોલીસ કસ્ટડીમાં રહેશે.
ભારતીય ક્રિકેટ ટીમનો પાંચમી ટેસ્ટ મેચમાં સાત વિકેટે પરાજય થયો હતો. ટેસ્ટના ચોથા દિવસે કેટલાક ભારતીય ફેન્સે ફરિયાદ કરી હતી કે કેટલાક બ્રિટિશ પ્રેક્ષકોએ વંશીય ટિપ્પણી કરી અપમાન કર્યું હતું. આ ઘટના બાદ ટ્વીટર પર નોંધપાત્ર લોકોએ આ ગેરવર્તણૂક બદલ આક્રોશ ઠાલવ્યો હતો.
વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વંશીય અભદ્ર વર્તનની ફરિયાદના મામલે અમે ગુનાહિત તપાસ હાથ ધરી છે. આ માટે એજબેસ્ટનના અધિકારીઓ સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે. અમે લોકોને અપીલ કરીએ છીએ કે જો તેમણે આ પ્રકારની ઘટનાની નોંધ લીધી હોય અથવા તેમની પાસે આ ઘટનાનો કોઈ વીડિયો હોય તો પોલીસનો સંપર્ક કરે. ભવિષ્યમાં ફરી મેદાનમાં પ્રેક્ષકો સાથે આવી ઘટનાનું પુનરાવર્તન ના થાય તે માટે વોર્વિકશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ દર્શકોની વચ્ચે કેટલાક અંડર કવર સ્વયંસેવકોને તૈનાત કરશે.