ભારતની પ્રખ્યાત એથ્લીટ પી ટી ઉષા અને દક્ષિણ ભારતના મહાન સંગીતકાર ઇલૈયારાજાને બુધવાર, 6 જુલાઈએ રાજ્યસભાના સભ્ય તરીકે નોમિનેટ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સમાજસેવી અને ધર્મસ્થળ મંદિરના વહીવટદાર વીરેન્દ્ર હેગડે અને પ્રસિદ્ધ લેખક-દિગ્દર્શક વી વિજયેન્દ્ર પ્રસાદને પણ રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. આ તમામ હસ્તીઓ દક્ષિણ ભારતની છે અને ભાજપે તાજેતરની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં દક્ષિણ ભારત પર ફોકસ કરવાની જાહેરાત કરી હતી.
પીટી ઉષા (કેરળ), ઈલૈયારાજા (તમિલનાડુના દલિત), પ્રસાદ (આંધ્ર/તેલંગાણા) અને હેગડેની (કર્ણાટક) પ્રતિષ્ઠિત ઉપલા ગૃહના સભ્ય માટેની પસંદગીને દક્ષિણ ભારત માટે મૈત્રીપૂર્ણ સંકેત તરીકે જોવામાં આવી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભા માટે નોમિનેટ થયેલી તમામ હસ્તીઓને અભિનંદન સાથે શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે સ્પોર્ટસ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરનાર પી ટી ઉષાજી પ્રત્યેક ભારતીય માટે પ્રેરણાસ્ત્રોત છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઉભરતા એથ્લીટને માર્ગદર્શન આપવામાં તેમનું એટલું જ પ્રસંશનીય છે.
મોદીએ ટ્વીટમાં પોતાના અભિનંદન સંદેશ સાથે પી ટી ઉષા અને ઇલેયારાજાની સાથે પોતાની તસવીર શેર કરી છે. મોદીએ ટ્વીટમાં કહ્યું કે, ઇલેયારાજાની રચનાત્મક પ્રતિભાએ દરેક પેઢીને મંત્રમુગ્ધ કરી છે. તેમના કાર્ય ભાવનાઓના સૌંદર્યાને દર્શાવે છે. તેમની જીવનયાત્રા પણ એટલી જ પ્રેરક છે, આનંદ છે કે તેમને રાજ્યસભાના સભ્ય માટે નોમિનેટ કર્યા છે.
મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિજયેન્દ્ર પ્રસાદ ‘દશકાઓથી સર્જનાત્મક વિશ્વ સાથે સંકળાયેલા છે અને તેમની કૃતિઓ ભારતની ભવ્ય સંસ્કૃતિને દર્શાવે છે અને વૈશ્વિક સ્તરે એક છાપ ઉભી કરે છે’. વિજયેન્દ્ર પ્રસાદ, તેલુગુ સિનેમામાં એક જાણીતું નામ છે, જેઓ બાહુબલી અને RRR જેવી મેગા હિટ ફિલ્મના પ્રોડ્યુસર એસએસ રાજામૌલીના પિતા છે. વિજયેન્દ્ર પ્રસાદે જ ગ્લોબલ બ્લોકબસ્ટરની સ્ક્રિપ્ટ લખી હતી.