સરકારે આયાતી ખાદ્યતેલના ભાવમાં એક સપ્તાહમાં લીટરદીઠ રૂ.10 સુધીનો ઘટાડો કરવા તથા દેશભરમાં એક બ્રાન્ડ માટે એકસમાન મહત્તમ છૂટક ભાવ (MRP) રાખવા માટે ઉત્પાદક કંપનીઓને તાકીદ કરી છે. ખાદ્યતેલના વૈશ્વિક ભાવમાં ઘટાડાને પગલે ગ્રાહકોને પણ તેનો લાભ મળે તે માટે સરકારે બુધવારે આ સૂચના આપી હતી.
ભારત ખાદ્યતેલની તેની કુલ જરૂરિયાતમાંથી આશરે 60 ટકાની આયાત કરે છે. વૈશ્વિક બજારોમાંથી સંકેતને પગલે છેલ્લાં કેટલાંક મહિનામાં ખાદ્યતેલના ભાવમાં દબાણ છે. જોકે વૈશ્વિક ભાવમાં જેટલા પ્રમાણમાં ઘટાડો થયો છે તેટલા ઘરેલુ બજારમાં ભાવ ઘટ્યા નથી. ખાદ્યતેલ કંપનીઓએ ગયા મહિને ભાવમાં લીટર દીઠ રૂ.10થી 15 સુધીનો ઘટાડો કર્યો હતો અને તે પહેલા પણ એમઆરપીમાં ઘટાડો કર્યો હતો.
વૈશ્વિક ભાવમાં વધુ ઘટાડાની નોંધ લઈને ખાદ્યાન્ન સચિવ સુધાંશુ પાંડેએ હાલના ટ્રેન્ડની ચર્ચા કરવા તથા એમઆરપીમાં ઘટાડો કરીને વૈશ્વિક ભાવમાં ઘટાડાનો લાભ ગ્રાહકોને આપવા માટે તમામ ખાદ્યતેલ એસોસિયેશનનો અને અગ્રણી ઉત્પાદકોની બેઠક બોલાવી હતી. આ બેઠક બાદ પાંડેએ જણાવ્યું હતું કે અમે વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું અને તેમને જણાવ્યું હતું કે માત્ર છેલ્લાં એક સપ્તાહમાં વૈશ્વિક ભાવમાં 10 ટકાનો ઘટાડો થયો છે. આ ઘટાડાનો લાભ ગ્રાહકોને મળવો જોઇએ. અમે તેમને એમઆરપીમાં ઘટાડો કરવાની સૂચના આપી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે અગ્રણી ખાદ્ય તેલ કંપનીઓએ પામતેલ, સોયાબીન અને સનફ્લાવર ઓઇલ જેવા તમામ આયાતી ખાદ્યતેલના ભાવમાં આગામી સપ્તાહે લીટદીઠ રૂ.10 સુધી ભાવમાં ઘટાડો કરવાનું વચન આપ્યું છે. આ ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થયા બાદ બીજા ખાદ્યતેલના ભાવમાં પણ ઘટાડો થશે.
દેશના વિવિધ ઝોનમાં હાલમાં ખાદ્યતેલના ભાવમાં તફાવત લીટરદીઠ રૂ.3થી 5 જેટલો ઊંચો છે. આ મુદ્દે તેમણે જણાવ્યું હતું કે હાલમાં વિવિધ ઝોનમાં વેચાતી એક જ બ્રાન્ડના એમઆરપીમાં લીટર દીઠ રૂ.3થી 5નો તફાવત છે. એમઆરપીમાં પરિવહન અને બીજા ખર્ચનો સમાવેશ થઈ જાય છે, તેથી એમઆરપીમાં કોઇ તફાવત ન હોવો જોઇએ. કંપનીઓ આ મુદ્દે પણ સુધારાના પગલાં લેવા માટે સહમત થઈ છે.
આ બેઠકમાં ગ્રાહકોની ફરિયાદ અંગેના ત્રીજા મુદ્દાની પણ ચર્ચાવિચારણા કરવામાં આવી હતી. ખાદ્યતેલ બ્રાન્ડની અયોગ્ય વેપાર પ્રણાલી સામે ગ્રાહકોની ફરિયાદોમાં વધારો થઈ રહ્યો છે. ખાદ્યન્ન સચિવે જણાવ્યું હતું કે કેટલીક કંપનીઓ પેકેજ પર લેખિત સૂચના આપે છે કે ખાદ્ય તેલનું 15 ડિગ્રી સેલ્શિયસે પેકિંગ કરવામાં આવ્યું છે. આ તાપમાને ખાદ્યતેલમાં વિસ્તરણ થાય છે અને વજન ઘટે છે. આદર્શ સ્થિતિ એ છે કે કંપનીઓએ 30 ડિગ્રી સેલ્શિયસે પેકિંગ કરવું જોઇએ. 15 ડિગ્રી સેલ્શિયસે પેકિંગ કરવાથી ગ્રાહકોને ઓછું ખાદ્યતેલ મળે છે. પરંતુ ઓછા વજન અંગે પેકેજ પર માહિતી આપવામાં આવતી નથી, જે અયોગ્ય વેપાર પ્રણાલી છે.
ગ્રાહકોને કેવી રીતે નુકસાન થાય છે કે તેની સમજ આપતા તેમણે જણાવ્યું હતું કે કંપનીઓ પેકેજ પર લખે છે કે 15 ડિગ્રી તાપમાને 910 ગ્રામ ખાદ્યતેલનું પેકિંગ કરાયું છે, પરંતુ વાસ્તવિક વજન 900 ગ્રામથી પણ ઓછું હોય છે. ગ્રાહક બાબતોના મંત્રાલયે પણ આ મુદ્દાની નોંધ લીધી છે.
ગ્રાહક બાબતોના મંત્રાલયના ડેટા મુજબ 6 જુલાઈએ ભારતમાં પામતેલના સરેરાશ ભાવ કિગ્રા દીઠ રૂ.144.16 હતા. આ ઉપરાંત સનફ્લાવર ઓઇલના સરેરાશ ભાવ રૂ.185.77, સોયાતેલના ભાવ કિગ્રા દીઠ રૂ.185.77, સરસવના તેલના ભાવ રૂ.177.37 અને સિંગતેલના ભાવ રૂ.187.93 હતા.