ભારતની વૈશ્વિક વેપારમાં તોડમરોડ કરતી જોખમી વેપાર પ્રણાલીની વિરુદ્ધમાં WTOમાં ભારતને જવાબદાર ઠેરવવા માટે અમેરિકાના આશરે 12થી વધુ સાંસદોએ પ્રેસિડન્ટ જો બાઇડનને રજૂઆત કરી છે. આ સાંસદોએ બાઇડનને એક પત્ર લખીને વિધિવત અનુરોધ કર્યો છે કે જોખમી વેપાર પ્રણાલીના મુદ્દે વિશ્વ વેપાર સંગઠન (WTO)માં ભારત સાથે મંત્રણાની વિધિવત વિનંતી કરવામાં આવે. આ સાંસદોનો દાવો છે કે ભારતની આવી પ્રણાલીથી અમેરિકાના ખેડૂતો અને પશુપાલકોને નુકસાન થાય છે.
સાંસદોએ પત્રમાં દાવો કરી છે કે WTOના હાલના નિયમો મુજબ વિવિધ દેશોની સરકારો કોમોડિટીના ઉત્પાદન મૂલ્યના 10 ટકા સુધી સબસિડી આપી શકે છે. જોકે ભારત સરકાર ચોખા અને ઘઉં સહિતની કેટલીક કોમોડિટી માટે તેના ઉત્પાદન મૂલ્યના 50 ટકાથી વધુ સબસિડી આપી રહ્યું છે. ભારત દ્વારા નિયમ પાલનના અભાવ અને બાઇડન સરકારની નિષ્ક્રીયતાથી વૈશ્વિક કૃષિ ઉત્પાદન અને ટ્રેડ ચેનલના પરિમાણ બદલાયા છે અને ભાવમાં ઘટાડો થયો છે. તેનાથી ચોખા અને ઘઉંના ઉત્પાદનમાં ઘટાડો થયો છે અને અમેરિકાના ઉત્પાદકોને અયોગ્ય નુકસાન થઈ રહ્યું છે.
સાંસદ ટ્રેસી માન અને રિક ક્રોફોર્ડની આગેવાની હેઠળ પાઠવવામાં આવેલા આ પત્રમાં જણાવાયું છે કે ભારત વૈશ્વિક સ્તરે જોખમકારક રીતે વેપાર પ્રણાલીમાં તોડમરોડ કરે છે તથા અમેરિકાના ખેડૂતો અને પશુપાલકોને અસર થાય છે. બાઇડન સરકારે WTOમાં ભારત સાથે વિચારવિમર્શ માટે વિધિવત વિનંતી કરવી જોઇએ અને વાજબી વેપાર પ્રણાલીની અવગણના કરતાં સભ્ય દેશોના ડોમેસ્ટિક સપોર્ટ પ્રોગ્રામ પર સતત દેખરેખ રાખવી જોઇએ. અમેરિકાએ ફૂડની અછતને દૂર કરે તેવા ઉકેલોને પ્રોત્સાહન આપવા માટે કામગીરી કરવી જોઇએ. ફુગાવો અને ફૂડના વધતાં જતાં ભાવથી સૌથી વધુ અસરગ્રસ્ત ગ્રાહકો માટે ઉકેલ શોધવા માટે અમેરિકાએ પગલાં લેવા જોઇએ. ભારત સબસિડીના મુદ્દે WTOમાં તેના વલણનો બચાવ કરતું આવ્યું છે. વિશ્વના કેટલાંક દેશો અને સંગઠનોએ ખેડૂતોના હિતની સુરક્ષા માટે ભારતે લીધેલા મક્કમ વલણની પ્રશંસા પણ કરી છે.