અમેરિકામાં ભારતીય મૂળના ટેકનોલોજી ઉદ્યોગસાહસિકની કથિત ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ મારફત 10,000 લોકો સાથે $45 મિલિયનની છેતરપિંડી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આ સ્કીમની મદદથી તેને અનેક લકઝરી કાર અને રિયલ એસ્ટેટ ખરીદી હતી.નેવાડાના લાસ વેગાસના નીલ ચંદ્રનની બુધવારે લોસ એન્જલસમાં ધરપકડ કરવામાં આવી હતી, એમ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું.
નીલ ચંદ્રન પર આરોપ છે કે, તેને પોતાની અનેક ટેક કંપનીઓનો ઉપયોગ રોકાણકારોના રૂપિયા પડાવી લેવા માટે કર્યો હતો. નીલે ‘ViRSE’ના બેનર હેઠળ કાર્યરત પોતાની એક કે તેથી વધુ કંપનીઓમાં રોકાણકારોને જંગી નફો આપવાની લાલચ આપી હતી. ચંદ્રનની કંપનીઓમાં Free Vi Lab, Studio Vi Inc, ViDelivery Inc, ViMarket Inc, અને Skalex USA Inc જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. તેમાં વર્ચ્યુઅલ વર્લ્ડની ટેકનોલોજી વિકસાવવામાં આવી હતી. તેમાં તેની પોતાની ક્રિપ્ટોકરન્સી પણ સામેલ હતી. જેનો કંપનીના પોતાના મેટાવર્સમાં ઉપયોગ કરવાનો હતો.
ચાર્જશીટમાં જણાવાયું છે કે ચંદ્રને રોકાણકારોને ખોટા વચનો આપ્યા હતા. સાથે જ એવું ખોટુ બોલ્યા હતા કે કંપનીના રોકાણકારોને ટૂંક સમયમાં જ મોટુ વળતર મળશે. ચાર્જશીટ મુજબ તેમની કંપનીને કોઈપણ ગ્રૂપ ખરીદવા જઈ રહ્યું નહોતુ. રોકાણકારોના રૂપિયાનો મોટો ભાગ ખોટી રીતે વ્યક્તિગત લાભ માટે અન્ય વ્યવસાયમાં કરવામાં આવ્યો હતો. આ સાથે તેણે મોંઘી કાર અને જમીન ખરીદી હતી.
ચંદ્રન પર વાયર ફ્રોડના 3 આરોપો અને ગુનાકીય રીતે પ્રાપ્ત કરેલી પ્રોપર્ટી સાથે નાણાકીય વ્યવહારના 2 આરોપો છે. આરોપ સાબિત થયા બાદ ચંદ્રનને દરેક વાયર ફ્રોડ માટે 20 વર્ષ સુધી જેલની સજા થઈ શકે છે અને ગેરકાયદેસર નાણાકીય વ્યવહારોના દરેક કેસમાં 10 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. ચાર્જશીટમાં એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે, 100 વિવિધ મિલકતો, બેંક એકાઉન્ટ, રિયલ એસ્ટેટ, મોંઘી ગાડીઓ જેમાં 39 ટેસ્લાની ગાડીઓ છે. આ તમામ વસ્તુઓ જપ્ત કરી લેવી જોઈએ કારણ કે તેણે અનેક લોકો સાથે છેતરપિંડી કરી છે.