ગુજરાતમાં બફારા અને ઉકળાટમાં વચ્ચે રવિવાર, 26 જૂને અનેક વિસ્તારોમાં આશરે બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં 43.3 ડીગ્રી ઉષ્મતામાન બાદ સાંજે ભારે પવન તથા ગાજવીજ સાથે આશરે 2 ઇંચ વરસાદ પડતા શહેરીજનોને રાહત મળી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે સાંજે આઠ વાગ્યા સુધી રાજ્યના 84 તાલુકામાં વરસાદ થયો હતો. સુરતના ઉમરપડામાં 65મીમી, ધરપુર, વલસાડમાં 50મીમી, પંચમહાલમાં 55મીમી, વિરમગામમાં 25મીમી વરસાદ નોંધાયો હતો
રાજકોટમાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો. વરસાદની સાથે ભારે પવનથી શહેરના અનેક સ્થળે હોર્ડિંગ્સ, વૃક્ષો ધારાશાયી થઇ ગયા હતા. શહેરની શિવધારા સોસાયટીમાં છત પરથી ભારે પવનને કારણે સોલાર પેનલ ઉડીને નીચે પડી હતી. જોકે આ બનાવમાં કોઇ જાનહાનિ પહોચી નથી. જોકે એક કલાકમાં ધોધમાર એક ઇંચ વરસાદથી ઠેર ઠેર રસ્તાઓ પાણી ભરાયા હતા. જામજોધપુર અને લાલપુર પંથકમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં ગોરીયાવટ અને પાટડી વચ્ચે ભયંકર ચક્રવાત સર્જાતાં બારે અફરાતફરી મચી હતી. ઉત્તર ગુજરાતમાં મીની વાવાઝોડા સાથે દાંતા, વિજાપુર, પ્રાંતિજમાં વરસાદ વરસતા અનેક વૃક્ષોનો સોથ બોલાવી દીધો હતો.દાંતામાં ત્રણ મકાનના છાપરા ઉડ્યા હતા તેમજ ૧૭થી વધુ વીજથાંભળા ધરાશાયી થયા હતા પ્રાંતિજ અને વીજાપુર પંથકમાં વીજથાંભલા ધરાશાયી થતાં વીજપુરવઠો ખોરવાયો હતો.
અમદાવાદમાં રવિવારે સાંજે વાતાવરણ પલટાયું હતું અને આકાશમાં કાળા ડિંબાગ વાદળો ઘેરાઇ આવ્યા હતા. સાંજે છ વાગ્યાની આસપાસ બોપલ, મેમનગર, નારણપુરા, આશ્રમ રોડ, એસ.જી. હાઈવે, સરખેજ, સનાથલ, શાંતિપુરા, બાકરોલ, વિસલપુર સહિતના વિસ્તારોમાં ભારે પવન બાદ વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદ થતા લોકો ભીંજાવા માટે નીકળી ગયા હતા. તોફાની પવન સાથે વરસાદને પગલે શહેરમાં ઘણી જગ્યાએ ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. ઉપરાંત ક્યાંક પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ હતી. ભારે પવન સાથે વરસાદ થતા રાયપુર દરવાજા પાસે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનું દિશાસૂચક બોર્ડ ધરાશાયી થઈ ગયું હતું. ભારે પવન સાથે વરસાદના પગલે ગણતરીની મિનિટમાં 40 જેટલા વૃક્ષો ધરાશાયી થયા હતા. અમદાવાદ ફાયરબ્રિગેડ અને અલગ અલગ વિસ્તારમાંથી ઝાડ પડવાના કોલ મળ્યા હતા.