જર્મનીના મ્યુનિકમાં જી-સેવન દેશોના શિખર સંમેલનના પ્રારંભ પહેલા અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડને જાહેરાત કરી હતી કે જી-સેવન દેશો રશિયાથી સોનાની આયાત પર પ્રતિબંધ મૂકશે. યુક્રેન યુદ્ધને પગલે રશિયાને આર્થિક નુકસાન પહોંચાડવાનો વિશ્વના સાત અગ્રણી દેશોનો આ વધુ એક પ્રયાસ છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર ૨૦૨૦માં રશિયા દ્વારા આશરે ૧૯ બિલિયન ડોલર સોનાની નિકાસ કરાઈ હતી, જે સોનાની વૈશ્વિક નિકાસના ૫ ટકા છે.
બાઇડેને જણાવ્યું હતું કે, “અમેરિકા અને જી-૭ જૂથના અન્ય દેશ રશિયાથી કરાતી સોનાની આયાત પર પ્રતિબંધ મૂકશે.” મંગળવારે જી-૭ દેશોની શિખર મંત્રણા પૂરી થયા પછી રશિયા પરના આ પ્રતિબંધ જાહેર થવાની શક્યતા છે. મંત્રણાની ઔપચારિક શરૂઆત થવાના થોડા કલાકો પહેલાં જ રશિયાએ રવિવારે યુક્રેનની રાજધાની પર મિસાઇલ હુમલા કર્યા હતા. કિવના મેયર વિતાલી ક્લિત્શ્કોના જણાવ્યા અનુસાર આ હુમલામાં ઓછામાં ઓછા બે રહેણાક બિલ્ડિંગને નુકસાન થયું હતું. ઉલ્લેખનીય છે કે, ત્રણ સપ્તાહમાં રશિયાનો આવો આ પહેલો હુમલો છે.
બાઇડેન સરકારના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઇંધણ પછી સોનું રશિયાની નિકાસમાં બીજા ક્રમે છે. સોનાની આયાત પર પ્રતિબંધ મૂકવાના પગલાને કારણે રશિયા માટે વૈશ્વિક બજારોમાં સહભાગી બનવાનું મુશ્કેલ બનશે. રવિવારે જી-૭ દેશની બેઠક શરૂ થઈ ત્યારે ચર્ચાના મુખ્ય વિષયોમાં ઇંધણનો પુરવઠો કેવી રીતે નિશ્ચિત કરવો, ફુગાવા પર કેવી રીતે નિયંત્રણ મેળવવું સહિતની બાબતોનો સમાવેશ થતો હતો. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ઇંધણનો પુરવઠો અને ફુગાવો સમગ્ર વિશ્વ માટે મોટી સમસ્યા બન્યા છે.
યુકેના વડાપ્રધાન બોરિસ જ્હોન્સને જણાવ્યું હતું કે, “સોનાની આયાત પર પ્રતિબંધથી પુતિનના ‘વોર મશિન’ પર હુમલો થશે. આપણે પુતિન સરકારને ફન્ડિંગ મળતું બંધ થાય એવા પગલાં લેવા જરૂરી છે.”