મહારાષ્ટ્રમાં શિવસેનાના ધારાસભ્યોની બળવા પછી રવિવાર, 26 જૂન સુધીમાં સત્તાની લડાઈ વધુ જલદ બની છે. રાજ્યના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના વડપણ હેઠળ સેનાના નેતાઓએ બળવાખોરો સામે જલદ અને વિવાદાસ્પદ હુમલા કર્યા હતા. છેલ્લાં કેટલાંક દિવસોથી બળવાખોરોને સતત ધમકી આપી રહેલા સેનાના સાંસદ સંજય રાઉતે શિવસૈનિકોને ઉશ્કેરવાનુ ચાલુ રાખ્યું છે અને પડકાર ફેંક્યો હતો કે બળવાખોરો ધારાસભ્ય તરીકે રાજીનામું આપે અને ચૂંટણીનો સામનો કરે. શિવસૈનિકોએ રસ્તા પર વિરોધ પ્રદર્શનો ચાલુ રાખ્યા હતા. બીજી તરફ બળવાખોરોની તાકાતમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યના શિક્ષણપ્રધાન ઉદય સામંત રવિવારે ગૌહાટીમાં બળવાખોર કેમ્પમાં પહોંચ્યા હતા.
રાઉતની એકધારી ધમકીઓને પગલે કેન્દ્ર સરકારે બળવાખોરોમાંથી ઓછામાં 15 ધારાસભ્યોને સીઆરપીએફ કમાન્ડોનું વાય પ્લસ સુરક્ષા કવચ પૂરું પાડ્યું હતું. બળવાખોરોના મહારાષ્ટ્રમાં રહેતા પરિવારોને પણ સુરક્ષા પૂરી પાડવામાં આવશે. રવિવારે રાઉતે અને યુવા સેના નેતા આદિત્ય ઠાકરેએ શિવસૈનિકોનો સંબોધન કર્યું હતું. આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું કે બળવાખોરો માટે રાજ્ય અને પાર્ટીના દ્વાર બંધ થયા છે.
સેનાના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માગણીને પગલે તેમને નોટિસ આપવામાં આવી છે. આ નોટિસનો જવાબ બળવાખોરોએ 27 જૂનની સાંજ સુધી આપવાનો છે.શિવસેનાના બંને જૂથે આરપારની લડાઈ માટે તૈયાર થઈ રહ્યાં છે ત્યારે એનસીપીના વડા શરદ પવાર રવિવારે એનસીપીના નેતાઓ, કોંગ્રેસના પ્રધાનો બાલાસાહેબ થોરાટ અને અશોક ચવાણ તથા સેનાના નેતાઓ અનિલ પરબ અને અનિલ દેસાઈ સાથે બેઠક કરી હતી.
શિંદેની ભાજપના નેતાઓ સાથેની ગુપ્ત બેઠકોના રીપોર્ટનો ઉલ્લેખ કરતાં રાઉતે જણાવ્યું હતું કે જો તમારામાં હિંમત હોય તો મત મેળવવા માટે તમારા બાપાના નામનો અથવા વડોદરા, સુરત, દિલ્હીમાં બેઠેલા બાપાઓના નામનો ઉપયોગ કરો. ભાજપ પર પ્રહાર કરતાં તેમણે જણાવ્યું હતું કે આસામમાં પૂરની કુદરતી આપત્તિ છે ત્યારે ભાજપ બળવાખોરોને સ્પોન્સર કરી રહ્યો છે.
રાઉત સહિતના સેનાના નેતાઓના ભડકાઉ નિવેદનો વચ્ચે શિવસૈનિકોએ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વિરોધી દેખાવો કર્યા હતા. પૂણેમાં ‘જુતા મારો’ના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. પાર્ટીના કાર્યકરોએ શિંદેના ફોટો પર જુતા માર્યા હતા. મુંબઈમાં સામાનાની ઓફિસની બહાર મોટી સંખ્યામાં શિવસૈનિકો એકઠા થયા હતા અને બાઇક રેલી કાઢીને શિંદે અને બળવાખોરોની વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કર્યો હતો. બાયકુલાના બળવાખોર ધારાસભ્ય જાધવના નામના પાટિયાને કાળુ કરવામાં આવ્યું હતું.