મહારાષ્ટ્રમાં શિવસેનાના વડપણ હેઠળની ગઠબંધન સરકાર મુશ્કેલીમાં મુકાઈ છે. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે સામે બળવો કરીને કેબિનેટ પ્રધાન એકનાથ શિંદે તેમના સમર્થક 21 ધારાસભ્યો સાથે ગુજરાતના સુરતની એક હોટેલમાં આવી ગયા છે. શિંદે ઠાકરે પરિવારથી નારાજ હતા.
બીજી તરફ વિધાન પરિષદની ચૂંટણીના પરિણામના મુદ્દે પણ નારાજ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકેર ધારાસભ્યો સાથે બેઠક કરવાના છે. શિંદે સાથે સુરત આવેલા ધારાસભ્યો સુરતની એક હોટલમાં રોકાયા છે. જ્યાં હોટલની બહાર ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. શિંદે મોડી રાત્રે ધારાસભ્યો સાથે સુરત આવ્યા હોવાની વિગતો મળી રહી છે. હજુ પણ નારાજ ધારાસભ્યોની સંખ્યા વધવાની અટકળો લગાવવામાં આવી રહી છે અને તેઓ જલદી સુરત પહોંચશે તેમ માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ શિવસેનાએ પોતાના ધારાસભ્યોને પરત આવવું છે છતાં તેમની સુરતમાં ઘેરાબંધી કરાઈ હોવાના આક્ષેપ કર્યા છે.
ધારાસભ્યોના બળવાના મુદ્દે ભાજપ પર પ્રહાર કરતાં શિવસેનાના સાંસદ સંજય રાઉતે જણાવ્યું હતું કે રાજ્યની ઉદ્ધવ ઠાકરે સરકારને ઉથલાવી પાડવાનું ભાજપનું આ કાવતરુ છે. મહારાષ્ટ્રમાં હાલમાં શિવસેના, કોંગ્રેસ અને શરદ પવારની એનસીપીની ગઠબંધન સરકાર છે. હાલમાં શિવસેનાના ધારાસભ્યોએ બળવો કર્યો હોવાનું માનવામાં આવે છે.