વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી શનિવારે સવારે ગાંધીનગરમાં પોતાના માતા હીરાબાના 100 જન્મ દિવસના અવસરે તેમના નિવાસસ્થાને વહેલી સવારે પહોંચ્યા હતા અને હીરાબાને સ્વસ્થ તેમ જ દીર્ઘાયુ જીવનની શુભેચ્છા પાઠવી હતી. વડા પ્રધાને હીરાબાના ચરણમાં પુત્ર સહજ ભાવે બેસીને માતૃશ્રીના ચરણ પખાલ્યા હતા અને તેમના આશીર્વાદ પણ મેળવ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીએ તેમનાં માતા તેમના 100મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે, ત્યારે એક ભાવનાત્મક બ્લોગ લખ્યો છે. તેમણે તેમના બાળપણની કેટલીક ખાસ ક્ષણો યાદ કરી જે તેમણે માતા સાથે વિતાવી હતી. તેમણે તેમની માતાએ તેમના મોટા થવા દરમિયાન આપેલા અનેક બલિદાનોને યાદ કર્યા અને તેમની માતાના વિવિધ ગુણોનો ઉલ્લેખ કર્યો જેણે તેમના મન, વ્યક્તિત્વ અને આત્મવિશ્વાસને આકાર આપ્યો છે.
“આજે, હું ખૂબ જ ખુશ અને ભાગ્યશાળી અનુભવું છું કે મારી માતા શ્રીમતી. હીરાબા મોદી પોતાના 100મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે. આ તેમનું જન્મ શતાબ્દી વર્ષ હશે.”એમ પીએમ મોદીએ લખ્યું.