સ્વીસ બેન્કોમાં ભારતના નાગરિકો અને કંપનીઓએ મૂકેલું ભંડોળ 2021માં તીવ્ર વધીને 3.83 બિલિયન સ્વીસ ફ્રાન્ક (આશરે રૂ,30,500 કરોડ) થયું છે, જે છેલ્લાં 14 વર્ષમાં સૌથી વધુ છે. આની સાથે કસ્ટમર ડિપોઝિટમાં પણ વધારો થયો છે, એમ સ્વિસ નેશનલ બેંકના વાર્ષિક અહેવાલમાં ગુરુવારે જણાાવાયું હતું.
સ્વીસ બેન્કમાં વિદેશી ક્લાયન્ટના નાણાના સંદર્ભમાં યુકે 379 બિલિયન સ્વીસ ફ્રાન્ક સાથે ટોચના સ્થાને છે. આશરે 168 બિલિયન સ્વીસ ફ્રાન્ક સાથે અમેરિકા બીજા સ્થાને છે.
ભારતીયોનું સ્વિસ બેંકમાં રોકાણ વધ્યું છે. સ્વિસ નેશનલ બેંકે વ્યક્તિગત, કંપનીઓ અને સંસ્થાઓના રોકાણનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. ભારતીયોના ફંડમાં ૫૦ ટકાનો વધારો થયો હતો. સ્વિસ બેંકમાં ભારતીયોનું રોકાણ સતત બીજા વર્ષે પણ વધ્યું હતું. ૨૦૨૦માં સ્વિસ બેંકમાં ભારતીયોના ૨૦,૭૦૦ કરોડ રૃપિયા હતા, જે ૨૦૨૧ના વર્ષમાં વધીને ૩૦,૫૦૦ થયા છે. જોકે, વ્યક્તિગત રોકાણની કેટેગરીમાં ફંડ એક વર્ષમાં ૮.૩ ટકા ઘટીને ૯૩૨ કરોડ રૃપિયામાંથી ૯૨૭ કરોડ રૃપિયા થયું છે.
૨૦૦૭માં સ્વિસ બેંકોમાં ભારતીયોના નાણા રૂ, ૯૦૦૦ કરોડ હતા. ૨૦૧૯ સુધી એમાં સરેરાશ ૭ ટકાનો વધારો નોંધાયો હતો. ૨૦૧૮માં ભારત અને સ્વિટ્ઝર્લેન્ડની સરકાર વચ્ચે થયેલા કરાર પ્રમાણે ભારતીય નાગરિકોની વિગતો સ્વિસ સરકાર ભારતને આપે હતી, પરંતુ સ્વિટ્ઝર્લેન્ડની સરકાર તેને બ્લેક મની ગણતી નથી. ટેક્સના ફ્રેમવર્કના ભાગરૂપે આ વિગતોની આપ-લે થાય છે. સ્વિસ નેશનલ બેંકના આંકડાં પ્રમાણે ભારતીયોની કસ્ટમર ડિપોઝિટ રૂ. ૪૮૦૦ કરોડ હતી. ૨૦૨૦ના અહેવાલમાં આ રકમ રૂ.૪૦૦૦ કરોડ જેટલી હતી. કસ્ટમર ડિપોઝિટ અથવા તો સેવિંગ ડિપોઝિટ સાત વર્ષની ટોચે રહી હતી. છેલ્લાં બે અહેવાલમાં કસ્ટમર ડિપોઝિટ ઘટતી જતી હતી.
સ્વિસ નેશનલ બેંક અતંર્ગત આવતી ૨૩૯ બેંકોમાં કુલ ૨.૨૫ ટ્રિલિયન સ્વિસ ફેંક જેટલી મોટી રકમ છે. એમાં વ્યક્તિગત ઉપરાંત સંસ્થાકીય ફંડનો પણ સમાવેશ થાય છે. સ્વિસ બેંકમાં ૧.૫ ટ્રિલિયન સ્વિસ ફેંક એટલે કે લગભગ ૧૧૮ લાખ કરોડનું ફંડ નાણાકીય સંસ્થાઓનું છે. દુનિયાના દેશોમાં ભારતનો ક્રમ ૪૪મો છે. ટોપ-૧૦ ઉપરાંત ઓસ્ટ્રેલિયા, જાપાન, યુએઈ, ઈટાલી, સ્પેન, પનામા, સાઉદી, ઈઝરાયેલ જેવા દેશોના નાગરિકો સ્વિસ બેંકોમાં રોકાણ કરવાની બાબતે ભારતીયોથી આગળ હતા. બ્રિટન અને અમેરિકા માત્ર બે દેશો એવા હતા, જેના નાગરિકો અને સંસ્થાઓનું રોકાણ ૧૦૦ અબજને પાર થતું હતું. બ્રિટિશ નાગરિકોનું ફંડ ૩૭૯ અબજ હતું, તો અમેરિકન નાગરિકોનું રોકાણ ૧૬૮ અબજ હતું.