ભારતની સેન્ટ્રલ બેન્ક રિઝર્વ બેન્ક ઓફ ઓફ ઇન્ડિયાએ અમેરિકાની પેમેન્ટ ગેટવે કંપની માસ્ટરકાર્ડ પરના પ્રતિબંધને ગુરુવારે ઉઠાવી લીધો છે. આરબીઆઇએ સ્થાનિક ધોરણે ડેટા સ્ટોરના ધોરણનું પાલન ન કરવા બદલ માસ્ટરકાર્ડ પર ગયા વર્ષે પ્રતિબંધ મૂક્યો હતો. હવે પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવતા માસ્ટરકાર્ડ નવા ગ્રાહકોનો ઉમેરો કરી શકશે.
આરબીઆઇએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે માસ્ટરકાર્ડ એશિયા-પેસિફિકના પેમેન્ટ સિસ્ટમ ડેટાના સ્ટોરેજ અંગે સંતોષજનક જવાબને પગલે નવા ડોમેસ્ટિક ગ્રાહકો ઉમેરવા પરના પ્રતિબંધને તાકીીદની અસરથી ઉઠાવી લેવામાં આવે છે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ પેમેન્ટ સિસ્ટમ ડેટા સ્ટોરેજ કરવાને લગતા તેના નિયમોનું પાલન નહીં કરવા બદલ કડક વલણ અપનાવતા માસ્ટરકાર્ડ એશિયા પેસિફિક નવા ક્રેડિટ, ડેબિટ અને પ્રીપેડ કાર્ડ ગ્રાહકોને ઈશ્યુ કરવા પર પ્રતિબંધ મુકી દીધો હતો. અલબત આ સાથે મધ્યસ્થ બેન્કે સ્પષ્ટતા પણ કરી હતી કે માસ્ટરકાર્ડના વર્તમાન ગ્રાહકોને કોઈ અસર થશે નહીં, .અત્રે ઉલ્લેખનીય છે કે માસ્ટરકાર્ડ ભારતમાં પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ ધારા,2007 (PSS ધારો) હેઠળ કાર્ડ નેટવર્કનું સંચાલન કરનાર પેમેન્ટ સિસ્ટમના અધિકૃત ઓપરેટર છે.