ભારતના લશ્કરી દળોમાં સૈનિકોની ભરતી માટેની સરકારની અગ્નિપથ નામની યોજનાનો ઉત્તરપ્રદેશ, બિહાર, હરિયાણા સહિતના શ્રેણીબદ્ધ રાજ્યોમાં વિદ્યાર્થીઓ ઉગ્ર વિરોધ કરી રહ્યાં છે. બિહાર તેમજ ઉત્તરપ્રદેશમાં સતત બીજા દિવસે અગ્નિપથ સામે વિરોધ ચાલુ રહ્યો છે, જ્યારે હરિયાણા સુધી પણ વિરોધનો રેલો પહોંચ્યો છે. મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરેલા યુવાનોએ તોડફોડ અને આગચંપી કરી છે. બિહારમા ત્રણ ટ્રેનોને આગ લગાવવામાં આવી હતી. હરિયાણામાં હિંસક બનેલા દેખાવકારોએ જયપુર-ગુરગાંવ હાઈવે બ્લોક કરવાની સાથે હરિયાણાના પલવલમાં પોલીસના વાહનોને આગ ચાંપી દેવાની સાથે એક અધિકારીના ઘર પર પથ્થરમારો કરતા પોલીસે ફાયરિંગ કરવું પડ્યું હતું.
દેખાવકારોની માગ છે કે લશ્કરી દળોમાં ચાર વર્ષની નોકરી ઓફર કરતી અગ્નિપથ યોજનાને તાત્કાલિક ધોરણે પાછી ખેંચવામાં આવે અને જૂની સિસ્ટમ પ્રમાણે જ ભરતી કરવામાં આવે. ચાર વર્ષની નોકરી બાદ સૈન્યમાંથી પરત ફરેલો યુવાન શું કરશે? અગ્નિપથમાં કોઈ પેન્શનની પણ જોગવાઈ નથી. માત્ર સાડા સત્તરથી 21 વર્ષના યુવાનોની જ ભરતી થવાની હોવાથી જેઓ વયમર્યાદા વટાવી ચૂક્યા છે તેમનું સૈન્યમાં જવાનું સપનું હવે ક્યારેય પૂરું નહીં થઈ શકે. આર્મીમાં બે વર્ષથી ભરતી ના થઈ શકી હોવાથી મોટી સંખ્યામાં યુવાનો વયમર્યાદા વટાવી ગયા છે.
બિહાર, યુપી અને હરિયાણામાં થઈ રહેલા વિરોધી દેખાવો વધુ તીવ્ર બન્યા છે, બિહારમાં અનેક જગ્યાએ હાઈવે બ્લોક કરાયા હતા.તેમજ અનેક ટ્રેનોના સમયપત્રક પણ ખોરવાઈ ગયા હતા. બિહારના છપરામાં પ્રદર્શનકારીઓએ ટાયર સળગાવ્યા હતા તેમજ એક બસમાં પણ તોડફોડ કરી હતી. બિહારના જહાનાબાદ અને બક્સર જિલ્લામાં ટ્રેક પર સૂઈ જઈને દેખાવકારોએ ટ્રેનોને પણ અટકાવી દીધી હતી. હરિયાણામાં પણ અગ્નિપથના વિરોધમાં ઉતરેલા યુવાનોએ ગુરુગ્રામ-જયપુર હાઈવે બ્લોક કરી દીધો હતો, તેમજ કેટલાક બસ સ્ટેન્ડ પર પણ હુરિયો બોલાવ્યો હતો. યુપીના પણ કેટલાક જિલ્લામાં અગ્નિપથ યોજનાનો વિરોધ થઈ રહ્યો છે.
ભારત સરકારે મંગળવારે અગ્નિપથ યોજનાની જાહેરાત કરી હતી, જેના હેઠળ આ વર્ષે 45 હજાર અગ્નિવીરોની ભરતી કરાશે, જેઓ સૈન્યમાં ચાર વર્ષ ફરજ બજાવશે, અને તેમાંથી 25 ટકા લોકોને જ ચાર વર્ષનો ગાળો પૂરો થયા બાદ સૈન્યમાં રાખવામાં આવશે. અગ્નિવીરનો પગાર 30 હજારથી શરુ થઈ 40 હજાર સુધી પહોંચશે, અને તેમને નિવૃત્તિ વખતે આશરે રૂ.12 લાખની નિશ્ચિત રકમ અપાશે. અગ્નિપથ યોજના સામે આર્મીના કેટલાક પૂર્વ અધિકારીઓ પણ વાંધો વ્યક્ત કરી ચૂક્યા છે.