નેશનલ હેરાલ્ડ અખબાર સાથે સંકળાયેલા મની લોન્ડરિંગની સંબંધિત એક કેસમાં ભારતની કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ સોમવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની 10 કલાક સુધી પૂછપરછ કરી હતી અને તેમને મંગળવારે પૂછપરછ માટે ફરી બોલાવવામાં આવ્યા છે. પ્રથમ દિવસની પૂછપરછમાં રાહુલ ગાંધીને તેમની ભારત અને વિદેશ ખાતેની સંપત્તિ તથા બેન્ક એકાઉન્ટ અંગે પૂછપરછ કરવામાં આવી હતી, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
રાહુલ સામેની ઈડીની કાર્યવાહીના વિરોધમાં કોંગ્રેસે દેશભરમાં દેખાવો યોજ્યા હતાં અને સત્યાગ્રહ માર્ચ યોજી હતી. રાહુલની પૂછપરછ સોમવારે રાત્રિના આશરે ૧૦ કલાક સુધી થઇ હતી. દિલ્હીમાં તપાસ સંસ્થાના વડામથકમાં રાહુલ ગાંધીએ આશરે ૧૧ કલાકે પૂછપરછ માટે હાજરી આપી હતી અને તેમની શરૂઆતમાં આશરે ૨૦ મિનિટ સુધી પૂછપરછ થઇ હતી. ઇડીએ તેમને આશરે ૨:૧૦ કલાકે લંચ માટે મંજૂરી આપી હતી અને તેઓ આશરે ૩:૩૦ કલાક સુધીમાં પાછા આવી ગયા હતા તેમ અધિકારીઓએ કહ્યું હતું.
રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસ નેતાઓ સામેની તપાસ એ કોંગ્રેસે પ્રમોટ કરેલા નેશનલ હેરાલ્ડ અખબારની માલિકી ધરાવતાં યંગ ઇન્ડિયનમાં કથિત નાણાકીય ગેરરીતિઓને લગતી છે. ઉલ્લેખનીય છે કે નેશનલ હેરાલ્ડ એ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ દ્વારા પ્રકાશિત થાય છે. તેની માલિકી યંગ ઇન્ડિયન પ્રાઇવેટ લિમિટેડની છે.
રાહુલ સાથે તેમના બહેન પ્રિયંકા ગાંધી વાડરા સહિત કોંગ્રેસના અનેક નેતાઓ હાજર રહ્યા હતા. દિલ્હી અને અનેક રાજ્યોની રાજધાનીમાં કોંગ્રેસના સૈંકડો કાર્યકરો જોડાયા હતા. રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહેલોત ઉપરાંત છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, રણદીપ સુરજેવાલા ઉપરાંત કે સી વેણુગોપાલની અટકાયત કરી હતી.
કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે તેના કેટલાક નેતાઓ સાથે પોલીસે ધક્કામુક્કી કરી હતી. તેણે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનોને મંજૂરી નહિ આપવા બદલ સરકારની ટીકા કરી હતી. રાહુલ ગાંધી આશરે અઢી કલાક સુધી ઇડીની ઓફિસમાં રહ્યા બાદ ઇડીની ઓફિસમાંથી લંચ બ્રેક માટે ઉપડી ગયા હતા અને બપોરે ૩:૩૦ કલાકે પાછા આવ્યા હતા.
કોંગ્રેસ વડા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી યંગ ઇન્ડિયાના પ્રમોટરો અને શેરહોલ્ડરોમાં છે. એવી સંભાવના છે કે ઇડીએ રાહુલને યંગ ઇન્ડિયા કંપનીની શરૂઆત અંગે પૂછપરછ કરી હતી.