ચાર દિવસીય બેંક હોલિડે સપ્તાહના અંતિમ દિવસે રવિવારે લાખો લોકોએ યુકેના વિવિધ નગરો અને શહેરોમાં જ્યુબિલી પાર્ટીઓ અને સ્ટ્રીટ લંચનું આયોજન કર્યું હતું. પ્રિન્સ ચાર્લ્સ અને કેમિલાએ દિવસની શરૂઆત સાઉથ લંડનમાં ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એક સ્ટ્રીટ પાર્ટીમાં યુનિયન જેક બંટિંગ અને કેકથી ભરેલા ટેબલો વચ્ચે મહેમાનોને મળીને કરી હતી.
ઓવલ લંચમાં પ્લેટિનમ ચેમ્પિયન્સનું આયોજન કરતા રોયલ વોલંટીયર્સ સર્વિસના એમ્બેસેડર સિંગર ઇલાઇન પેઇજ ચાર્લ્સ અને કેમિલાને મળ્યા હતા.
- ડ્યુક અને ડચેસ ઑફ કેમ્બ્રિજ વિલીયન અને કેટે યુનિયન જેક બંટિંગથી શણગારેલા રસોડામાં કેટ અને તેમના ત્રણ બાળકોના કેક બનાવતા ફોટો ટ્વિટ કર્યા હતા. તે કેક કાર્ડિફના લોકો માટે યોજાયેલી પ્લેટિનમ જ્યુબિલી સ્ટ્રીટ પાર્ટીમાં માણવામાં આવી હતી.
- મહારાણીએ ગુરૂવારે મુખ્ય જ્યુબિલી બિકન પ્રગટાવવાના કાર્યક્રમમાં હાજરી આપી હતી.
- શુક્રવારે, પ્રિન્સેસ એનીએ યુક્રેનિયન શરણાર્થી બાળકોની સાથે વન્યજીવોની સંભાળ રાખવા વિશે જાણવા એડિનબરા ઝૂની મુલાકાત લીધી હતી.
- ઘોડાઓ માટે રાણીનો પ્રેમ દર્શાવતા રોયલ સ્ટડ સેન્ડ્રિંગહામ ખાતે પ્રાણીઓની સંભાળ રાખતી ક્લિપ્સ સાથે નવા ફૂટેજ શનિવારે પ્રસારિત કરાયા હતા. 1953માં રાજ્યાભિષેકના ચાર દિવસ પછી, તેઓ એપ્સમમાં તેમના ઘોડાને ડર્બી જીતતો જોવા માટે ગયા હતા.
- ડર્બી ડેના દિવસે રાણી માટે સવારી કરનારા 40 નિવૃત્ત અને વર્તમાન જોકીઓ દ્વારા રાણીને અભૂતપૂર્વ ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું.
- રેસકોર્સના ક્વીન્સ સ્ટેન્ડનું નામ કાયમી ધોરણે ક્વીન એલિઝાબેથ II સ્ટેન્ડ રાખવામાં આવ્યું હતું.
શનિવાર પ્રિન્સ હેરી અને મેગનની પુત્રી લિલિબેટનો પ્રથમ જન્મદિવસ ઉજવાયો હતો.