સાઉથ આફ્રિકામાં અબજો રેન્ડના ભ્રષ્ટાચારના કેસમાં વોન્ટેડ જાહેર કરાયેલા ભારતીય મૂળ ભાગેડૂ બિઝનેસમેન રાજેશ અને અતુલ ગુપ્તાની દુબઈ પોલીસે ધરપકડ કરી છે, એમ મંગળવારે સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું. ગુપ્તા બ્રધર્સ સંબંધિત ભ્રષ્ટાચારના કેસને કારણે સાઉથ આફ્રિકામાં જેકોબ ઝુમાની પ્રેસિડન્ટ પદેથી હકાલપટ્ટી થઈ હતી.
ઇન્ટરપોલે રાજેશ (51 વર્ષ) અને અતુલ ગુપ્તા (53) સામે રેડ નોટિસ જારી કરી હતી. સાઉથ આફ્રિકામાં ઝુમાના શાસન દરમિયાન જાહેર ક્ષેત્રની કંપનીઓમાં અબજો રેન્ડના કથિત ભ્રષ્ટાચારની તપાસ વચ્ચે ગુપ્તા બ્રધર્સ તેમના પરિવાર સાથે સાઉથ આફ્રિકામાંથી ભાગી ગયા હતા.
એક નિવેદનમાં દુબઈ પોલીસે જણાવ્યું હતું કે સાઉથ આફ્રિકામાં મની લોન્ડરિંગ અને ક્રિમિનલ ચાર્જિસ અને મની લોન્ડરિંગના સંદર્ભમાં રાજેશ અને અતુલની ધરપકડ કરવામાં આવી છે. ઇન્ટપોલે ગુપ્તા બ્રધર્સ સામે રેડ નોટિસ જારી કર્યા બાદ દુબઈ પોલીસે તેમની ધરપકડ કરી છે. પોલીસ પ્રત્યાર્પણ ફાઇલ અંગે સાઉથ આફ્રિકાના સત્તાવાળા સાથે સંકલન કરી રહી છે. જોકે ત્રીજા ભાઇ અરજ ગુપ્તા (56)ની ધરપકડ થઈ છે કે નહીં, તે અંગે જાણકારી મળી નથી.
સાઉથ આફ્રિકામાં તત્કાલિન પ્રેસિડન્ટ ઝુમા સાથે સંબંધોનો દુરુપયોગ કરીને નાણાકીય લાભ લેવાનો અને સરકારી નિમણુકોમાં દખલગીરી કરવાનો ગુપ્તા બ્રધર્સ સામે આરોપ છે. જોકે તેમણે આ આરોપોને નકારી કાઢ્યા છે. 2018માં ગુપ્તા પરિવાાર દુબઈ આવ્યો હતો.