પંજાબમાં ઓપરેશન બ્લૂસ્ટારની ૩૮મી વર્ષગાંઠે પ્રખ્યાત સુવર્ણમંદિરમાં કટ્ટરવાદી શીખ સંગઠનો અને શિરોમણી અકાલી દલ (અમૃતસર) દ્વારા ખાલીસ્તાન તરફી સૂત્રોચ્ચાર કરાયો હતો. ઘણા યુવાનોના હાથમાં ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ના બેનર હતા. ખાલિસ્તાન સમર્થકોની ટી-શર્ટ પર ખાલિસ્તાની નેતા જર્નેલ સિંઘ ભિંદરાનવાલેની તસવીર હતી.
અકાલ તખ્તના વડા જ્ઞાની હરપ્રીત સિંહે આ પ્રસંગે શીખ સમાજને આપેલા સંદેશમાં જણાવ્યું હતું કે શીખ પ્રચારકોએ શીખ ધર્મનો સંદેશ ફેલાવવા માટે સરહદ વિસ્તારોમાં જવું જોઇએ.
આ પ્રસંગે શીખ સમાજે જણાવ્યું હતું કે, “શીખ ધર્મના ઉપદેશકો અને વિદ્વાનોએ ધર્મનો પ્રચાર માટે સરહદી વિસ્તારોની મુલાકાત લઇ યુવાઇને શીખ ધર્મના ઇતિહાસની માહિતી આપવી જોઇએ. આપણે ડ્રગ્સના દૂષણ સામે પણ લડવાની જરૂર છે. ઘણા યુવાનો આ બુરાઇનો શિકાર બન્યા છે.” શીખોના સર્વોચ્ચ ધાર્મિક સંગઠન શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC)એ ગુરુ ગ્રંથ સાહિબનું ગોળીથી વીંધાયેલું ‘સરુપ’ દર્શાવ્યું હતું. ઓપરેશન બ્લૂસ્ટાર વખતે ૧૯૮૪માં આ ‘સરૂપ’ને પણ ગોળી વાગી હતી.
ઓપરેશન બ્લૂસ્ટાર ૧૯૮૪માં સુવર્ણ મંદિરમાંથી આતંકવાદીઓને હાંકી કાઢવા કરાયેલી એક મિલિટ્રી કાર્યવાહી હતી. સમગ્ર અભિપાય શાંતિપૂર્વક પસાર થાય એ માટે અમૃતસરમાં કડક બંદોબસ્ત કરાયો હતો.