ભાજપના બે નેતાઓ દ્વારા મહંમદ પયગંબર સાહેબ અંગેની વિવાદાસ્પદ ટીપ્પણીના મુસ્લિમ દેશોમાં ઘેરા પડઘા પડ્યા છે ત્યારે વિરોધ પક્ષો પણ આ મુદ્દે મોદી સરકાર અને ભાજપની આકરી ટીકા કરી રહ્યાં છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે જણાવ્યું હતું કે ભાજપની કટ્ટરતા દેશને અંદરથી કમજોર કરી રહી છે. કોંગ્રેસ નેતાએ ટ્વીટ કરીને કહ્યું કે, ‘આંતરિક રીતે વિભાજન થવાથી ભારત બહારની રીતે કમજોર થઈ જાય છે. ભાજપની શરમજનક કટ્ટરતાએ ફક્ત આપણને અલગ નથી કર્યા, પરંતુ વિશ્વ સ્તર પર ભારતની પ્રતિષ્ઠાને હાની પહોંચાડી છે.’
રાહુલ ગાંધીએ મોંઘવારી અને બેરોજગારીના મુદ્દાઓ અંગે આક્ષેપ કર્યો હતો કે દેશમાં આર્થિક મંદી સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે, પરંતુ ‘નીતિગત દેવાળીયાની શિકાર’ આ સરકારની પાસે કોઈ જવાબ નથી. આ સાથે રાહુલ ગાંધીએ દાવો કર્યો કે, દેશમાં આજે પ્રતિ વ્યક્તિની આવક બે વર્ષ પહેલાની સરખામણીએ ઓછી થઈ ગઈ છે, આ મુજબ બે વર્ષ પહેલા પ્રતિ વ્યક્તિ આવક 94270 રૂપિયા હતી, જે ઘટીને આવક પ્રતિ વ્યક્તિ 91481 રૂપિયા થઈ ગઈ છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ફેસબુક પોસ્ટમાં કહ્યું કે, ભારતીય પરિવારો મોંઘવારી અને નોકરીઓ ગુમાવવાનો માર સહન કરી રહ્યા છે.
ઉત્તરપ્રદેશમાં બહુજન સમાજવાદી પાર્ટીના વડા માયાવતીએ જણાવ્યું હતું કે ભાજપ લોકોની ધાર્મિક લાગણી દુભાવવા બદલ સસ્પેન્ડ કરાયેલા તેના નેતાઓ સામે કાનૂની પગલા લે. ભાજપે તેના લોકો પર અંકુશ રાખવા જોઇએ. માત્ર સસ્પેન્ડ કરવા કે કાઢી નાખવાથી કામ નહિ ચાલે. તેમને જેલમાં ધકેલો. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પણ હિન્દુમાં ટ્વિટ કરીને શર્મા સામે આકરા પગલાની ભાજપને માગણી કરી છે. એઇએમઆઇએમના વડા અસદુદીન ઓવૈસીએ સોમવારે કહ્યું હતું કે ૧૦ દિવસ અગાઉ જ નુપુર શર્મા સામે પગલા લેવા જોઇતા હતા.