અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)એ મેકડોનાલ્ડના સોલા ખાતેના આઉટલેટમાં કોલ્ડ ડ્રિન્કમાં ગરોળી મળી આવી હોવાની ઘટનાનાને પગલે આ સ્ટોરને રૂ.1 લાખનો દંડ ફટાકાર્યો છે. કોલ્ડ ડ્રિન્કમાં મરેલી ગરોળીનો વીડિયો પણ વાયરલ થયો હતો.
21 મે અમદાવાદ સોલા સાયન્સ સિટી રોડ પર આવેલા જાણીતા ફૂડ ચેઈન મેકડોનાલ્ડ આપવામાં આવેલી સોડામાંથી ગરોળી મળી આવી હોવાની ગ્રાહકે ફરિયાદ કર્યા બાદ AMCએ 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ ઘટના પછી એએમસીએ મેકડોનાલ્ડનો સ્ટોર સીલ કર્યો હતો અને મરેલી ગરોળી સાથેની સોડાને એનાલિસિસ માટે ફૂડ લેબમાં મોકલી હતી. આ સ્ટોરમાં બોપલમાં રહેતો 27 વર્ષનો ભાર્ગવ જોશી તેના મિત્રો સાથે ગયો હતો, અહીં તેણે કોક ઓર્ડર કર્યો હતો. કોકના બે ઘૂંટ પીધા બાદ ગરોળી તરીને ઉપર આવી હતી. કોકમાંથી ગરોળી નીકળતા તેણે ભારે હોબાળો મચાવ્યો હતો. ગ્રાહકે તરત જ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને ફરિયાદ કરી હતી.
AMCએ આઉટલેટના માલિક પાસેથી એફિડેવિટ લીધી હતી કે, FSS એક્ટ મુજબના તમામ સ્વચ્છતા ધોરણો જાળવવામાં આવશે અને આગામી ત્રણ મહિના સુધી AMCના FSOs દ્વારા આઉટલેટમાં વારંવાર ‘સરપ્રાઈઝ ચેકિંગ’ કરવામાં આવશે.