વિશ્વની પ્રથમ ક્રમાંકિત મહિલા ટેનિસ ખેલાડી, પોલેન્ડની ઈગા સ્વીઆટેકે પોતાની સફળતાની ડ્રીમ રન આગળ ધપાવતા ફ્રેન્ચ ઓપન મહિલા સિંગલ્સનો તાજ ગયા સપ્તાહે હાંસલ કર્યો હતો. ૨૧ વર્ષની સ્વીઆટેકે ફાઈનલમાં અમેરિકાની ૧૮ વર્ષની ગૉફને એકતરફી મુકાબલામાં ૬-૧ ,૬-૩થી હરાવી હતી. આ સાથે સ્વીઆટૅકે અમેરિકાની દિગ્ગજ વિનસ વિલિયમ્સના સતત ૩૫ મેચ જીતવાના રેકોર્ડની બરોબરી કરી હતી. ગૉફ તેને મળેલી ગોલ્ડન તક ઝડપી શકી નહોતી અને એક કલાક અને આઠ મિનિટના મુકાબલામાં હારી ગઈ હતી.
રોલેન્ડ ગેંરો ખાતેના રેડ ક્લે કોર્ટ પર રમાયેલી એક તરફી ફાઈનલમાં સ્વીઆટેકે કારકિર્દીનું બીજું ગ્રાન્ડ સ્લેમ અને બીજું ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું હતુ. અગાઉ તે ૨૦૨૦માં ફ્રેન્ચ ઓપન વિજેતા બની હતી. પોલીશ ખેલાડીએ તેણે રમેલી છેલ્લી નવ ફાઈનલ્સ સીધા સેટમાં વિજયનો રેકોર્ડ પણ કર્યો હતો. આ ઉપરાંત તે છેલ્લા ૧૪ વર્ષમાં સતત છ ટાઈટલ જીતનારી સૌપ્રથમ મહિલા ખેલાડી બની હતી.
પુરૂષોની ડબલ્સમાં અલ સાલ્વાડોરનો માર્સેલો અરેવાલો અને નેધરલેન્ડ જીન-જુલિયન રોજર ટાઈટલ વિજેતા રહ્યા હતા, તો મહિલા ડબલ્સમાં ફ્રાન્સની કેરોલિન ગાર્સીઆ અને ક્રિસ્ટીના મ્લેડેનોવિકે અમેરિકન જોડી કોકો ગોફ – જેસિકા પેગુલાને હરાવી તાજ હાંસલ કર્યો હતો. મિક્સ્ડ ડબલ્સમાં વેસ્લી કુલહોફ અને ઈના શિબાહારા ચેમ્પિયન બન્યા હતા.