અબુધાબી ખાતે યોજાયેલા ૨૨મા આઈફા એવોર્ડમાં બાયોપિક ફિલ્મ ‘શેરશાહ’ને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. બેસ્ટ એક્ટરનો એવોર્ડ ‘સરદાર ઉધમસિંહ’ માટે વિકી કૌશલને મળ્યો હતો, જ્યારે બેસ્ટ એકટ્રેસનો એવોર્ડ ક્રિતી સેનોનને ‘મિમિ’ માટે મળ્યો હતો. અબુધાબીના યસ આઈલેન્ડ ખાતે ઇતિહાદ એરેનામાં આઈફા એવોર્ડ સંબંધિત વિવિધ ઈવેન્ટ ત્રણ દિવસ માટે યોજાઈ હતી. શનિવાર રાતે વિવિધ એવોર્ડઝની જાહેરાત થઈ હતી.
વિકી કૌશલે પોતાનો એવોર્ડ દિવંગત અભિનેતા ઈરફાન ખાનને અર્પણ કર્યો હતો. શેરશાહને કુલ પાંચ એવોર્ડ મળ્યા હતા. શ્રેષ્ઠ ફિલ્મ ઉપરાંત દિગ્દર્શનનો એવોર્ડ વિષ્ણુવર્ધનને મળ્યો હતો. જોકે, તેણે બેસ્ટ મ્યુઝિકનો એવોર્ડ અતરંગી રે સાથે શેર કરવો પડયો હતો. જોકે, બેસ્ટ પ્લેબેક સિંગર મેલ અને ફિમેલ બંને એવોર્ડ શેરશાહના સોંગ માટે જુબિન નૌતિયાલ અને અસીસ કૌરને ભાગે આવ્યા હતા. બેસ્ટ લિરિક્સનો એવોર્ડ ‘લહેરે દો’ માટે કૌસર મુનિરને મળ્યો હતો. આઇફા રોક ઇવેન્ટનું 3 જૂને આયોજન થયું હતું, જ્યારે મેઇન એવોર્ડ સમારંભ 4 જૂને યોજાયો હતો. સલમાન ખાન, રિતેશ દેશમુખ અને મનીષ પૌલે એવોર્ડ નાઈટ હોસ્ટ કરી હતી. અભિષેક બચ્ચન, ટાઈગર શ્રોફ, અનન્યા પાંડે, સારા અલી ખાન, નોરા ફતેહીએ પરફોર્મન્સ આપ્યાં હતાં.