બાંગ્લાદેશમાં ખાનગી કેમિકલ કન્ટેનર ડેપોમાં ભયાનક આગ અને તે પછી થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં નવ ફાયરફાયટર્સ સહિત ઓછામાં 49 લોકોના મોત થયા હતા અને 450થી વધુ ઘાયલ થયા હતા. અનેક લોકો ગંભીર રીતે દાઝી ગયા હોવાથી મોતની સંખ્યામાં વધારો થવાની ડોક્ટર્સે આશંકા વ્યક્ત કરી હતી. ડેપોની આગ એટલી વિકરાળ હતી કે ફાયરફાઇટર્સ 23 કલાક સુધી જહેમત ઉઠાવી રહ્યાં છે અને તેને કાબુમાં લેવા માટે આર્મીની મદદ લેવામાં આવી છે. આ આગ શનિવારની સાંજે ભભકી ઉઠી હતી.
ફાયર સર્વિસના વડા બ્રિગેડિયર જનલર મોહંમદ મૈનુદ્દીને જણાવ્યું હતું કે હાઇડ્રોન પેરોક્સાઇડ સહિતના કેમિકલથી આગ ભભકી ઉઠી હોવાથી સ્થિતિ વધુ મુશ્કેલ બની હતી. આગ બુઝાવવાના પ્રયાસો ચાલુ હતા ત્યારે વચ્ચે વચ્ચે વિસ્ફોટો થઈ રહ્યાં હતા. આ દુર્ઘટનાને કારણે નજીકની કેનાલો અને બંગાળના અખાતના દરિયાકાંઠામાં કેમિકલ ન ફેલાય તે માટે આર્મી બોલવી પડી હતી.
પોર્ટ સિટી ચત્તોગ્રામ નજીકના સિતાકુન્ડા ખાતેના બીએમ કન્ટેનર ડેપોમાં આગ ભભૂક્યા બાદ ફાયર સર્વિસના જવાનો તાકીદે ઘટના સ્થળે પહોંચ્યા હતા. જોકે આગની સાથે વિસ્ફોટો પણ થતાં હોવાથી નવ ફાયર ફાયટર્સના મોત થયા હતા. કોઇ એક દુર્ઘટનામાં આટલી સંખ્યામાં ફાયર જવાનોના મોત થયા હોય તેવી બાંગ્લાદેશના ઇતિહાસની પ્રથમ ઘટના છે.
પોલીસે જણાવ્યું હતું કે અત્યાર સુધી ચત્તોગ્રામ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં 49 મૃતદેહ આવ્યા છે. હોસ્પિટલના ડોક્ટર્સે જણાવ્યું હતું કે આશરે 12 વ્યક્તિની હાલત ગંભીર છે. વડાપ્રધાન શેખ હસીનાએ ગંભીર રીતે ઘાયલ લોકોની વધુ સારી સારવાર માટે મિલિટરી હેલિકોપ્ટર મારફત ઢાકા લાવવાનો આદેશ આપ્યો હતો. ચતોગ્રામ ડિવિઝન કમિશને જણાવ્યું હતું કે મૃતકોના પરિવારોને ડીસી ઓફિસ તરફથી 560 ડોલર અને ઇજાગ્રસ્તોને 224 ડોલરની સહાય આપવામાં આવશે.
બાંગ્લાદેશની સંસદે આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે ફાયર જવાનોને શરૂઆતમાં એ માહિતી આપવામાં આવી ન હતી કે કન્ટેનરમાં કેમિકલ ભરવામાં આવેલું છે અને તેનાથી બ્લાસ્ટ થઈ શકે છે. આ આગના કેટલાંક વીડિયો વાઇરલ થયા હતા, જેમાં દેખાય છે કે આકાશમાં ધુમાડાના ગોટા છે. વિસ્ફોટોના અવાજ ચાર કિમી દૂર સુધી સંભળાયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આશરે 21 એકર જમીનમાં પથરાયેલા આ ડેપોમાં આશરે 4,000 કન્ટેનર હતા. ઘણા કન્ટેનરમાં નિકાસ માટે ગાર્મેન્ટ્સ ભરવામાં આવેલા હતા.