ભારતમાં શનિવારે કોરોના કેસની સંખ્યામાં 4,270નો વધારો થયો હતો દેશમાં કોરોનાના કેસોમાં વધારાને પગલે વિવિધ રાજ્યો ફરી સજાગ બન્યાં છે. મહારાષ્ટ્ર સરકારે કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને રાજ્યમાં માસ્ક પહેરવાની સલાહ આપી છે.
શુક્રવારે કોરોના અંગેની બેઠકમાં મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પણ આગામી સમયમાં જો કેસ વધશે તો કડક નિયંત્રણોનો સંકેત આપ્યો હતો. મામલાની ગંભીરતાને સમજીને રાજ્ય સરકારે રાજ્યના લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી છે.
અધિક મુખ્ય સચિવ પ્રદીપ વ્યાસે તમામ જિલ્લા અધિકારીઓને લખેલા પત્રમાં જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવવા સહિતના અનેક આદેશો આપ્યા છે. ડો. વ્યાસે જણાવ્યું કે, ટ્રેન, બસ, સિનેમા, ઓડિટોરિયમ, ઓફિસ, હોસ્પિટલ, કોલેજ, શાળા જેવા બંધ જાહેર સ્થળોએ માસ્ક ફરજિયાત છે.
બીજી બાજુ, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે 3 જૂને રાજ્ય સરકારોને પત્ર મોકલ્યો છે. પત્ર અનુસાર મહારાષ્ટ્ર, તેલંગાણા, કેરળ, કર્ણાટક અને તમિલનાડુ જેવા પાંચ રાજ્યોને વધતા કોરોનાના કેસોને રોકવા માટે નિયમોનું કડક પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. મંત્રાલયે આ રાજ્યોને કોરોનાના સંક્રમણને નિયંત્રિત કરવા માટે કડક તકેદારી રાખવા અને પહેલાની જેમ પગલાં લેવા કહ્યું છે.