ધાર્મિક સ્વાતંત્ર્યના મુદ્દે ભારતની આકરી ટીકા કરતાં અમેરિકાના વિદેશ વિભાગના અહેવાલને ભારતે શુક્રવાર (3 જૂન)એ ફગાવી દીધો હતો અને અમેરિકા પર વળતો હુમલો કર્યો હતો. ભારતે જણાવ્યું હતું કે તે કમનસીબ છે કે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં પણ મતબેન્કનું રાજકારણ રમવામાં આવે છે. ભારતે અમેરિકાને દર્પણ દેખાડતા જણાવ્યું હતું કે અમેરિકાએ વંશિય હિંસા, હેટ ક્રાઇમ અને ગન કલ્ચર પર અંકુશ મુકવો જોઇએ.
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ શુક્રવારે જણાવ્યું હતું કે આ રીપોર્ટમાં ભારત અંગેના અવલોકનો પ્રેરિત અને પક્ષપાતી અભિપ્રાય આધારિત છે.અગાઉ અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિક્ને આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વાતંત્ર્ય અંગેનો વાર્ષિક અહેવાલ જારી કર્યો હતો, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે 2021ના સમગ્ર વર્ષ દરમિયાન હત્યાઓ, હુમલા અને ધાકધમકી સહિત લઘુમતી સમુદાયોના સભ્યો પર હુમલા થયા હતા. બાગચીએ જણાવ્યું હતું કે તે કમનસીબ છે કે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં મતબેન્કનું રાજકારણ રમવામાં આવે છે. અમે અનુરોધ કરીએ છીએ કે ઇરાદાપૂર્વકના અને પક્ષપાતી અભિપ્રાય આધારિત અવલોકનો ટાળવા જોઇએ.
આ રીપોર્ટ અંગે મીડિયાના પ્રશ્નોના જવાબ આપતા બાગચીએ જણાવ્યું હતું કે બહુવિધ સમુદાયો સાથે ભારત ધાર્મિક સ્વતંત્રતા અને માનવાધિકારનું મૂલ્ય સમજે છે.અમેરિકા સાથેની અમેરિકાની ચર્ચા દરમિયાન અમે નિયમિત ધોરણે વંશિય હુમલા, હેટ ક્રાઇમ અને ગન કલ્ચર સહિતના મુદ્દાને હાઇલાઇટ કરીએ છીએ.
2021ના આ આંતરરાષ્ટ્રીય રીપોર્ટના ઇન્ડિયા સેક્શનમાં ધાર્મિક લઘુમતીઓ પરના હુમલાની ઘટનાઓનો ઉલ્લેખ કરાયો છે. તેમાં ગૌરક્ષાના બહાને લઘુમતીઓ પર હુમલા થતા હોવાનું જણાવાયું છે. અમેરિકાના વિદેશ પ્રધાને જણાવ્યું હતું કે ભારતમાં ગયા વર્ષે ધાર્મિક સ્થળો અને લઘુમતી સમુદાયો પર હુમલા થયા હતા અને તેમાં વધારો થઈ રહ્યો છે.