કોરોના મહામારી પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની લોકપ્રિયતા ઉચ્ચત્તમ સ્તરે પહોંચી છે. કેન્દ્ર સરકારની એપ્રૂવલ રેટિંગમાં વધારો થયો છે, એમ લોકસ સર્કલ્સના સરવેમાં જણાવાયું છે.
જોકેલોકોએ જીવન જરૂરી ચીજવસ્તુઓની મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. સરવેમાં 67 ટકા લોકોએ માન્યું છે કે મોદી સરકાર બીજા કાર્યકાળમાં અપેક્ષાઓ અનુસાર કામ કરી રહી છે અથવા આશાઓ કરતા વધુ સારું કામ કર્યું છે. આ સર્વેમાં 64000 લોકોએ ભાગ લીધો હતો. અહીંયા નોંધવું રહ્યું કે ગત વર્ષે કોરોના કાળની બીજી લહેરના સંકટ વખતે પણ મોદી સરકારના કામકાજથી 51 લોકો સંતુષ્ટ હતા.
સરવેમાં સામેલ બે તૃતીયાંશ લોકોએ મોદી સરકારના કામકાજના વખાણ કર્યા છે. ગત વર્ષે કોરોના કાળની બીજી લહેરમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા અને હોસ્પિટલમાં ઓક્સિજનની અછત તથા બેડ્સની અછત જોવા મળી હતી. કોરોના મહામારીના આરંભના સમયમાં મોદી સરકારનું એપ્રુવલ રેટિંગ 62 ટકા જ હતું. આ રીતે કોરોના કાળના શરૂઆતથી હમણાં સુધી મોદી સરકારનું આ એપ્રૂવલ રેટિંગ સૌથી વધુ છે.
સરવેમાં સામેલ લોકોએ કહ્યું કે સરકાર કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવામાં સફળ રહી છે અને અર્થવ્યવસ્થાને સંભાળવાનું પણ કામ કર્યું છે. જોકે, બેરોજગારી દર સતત 7 ટકા રહેતા લોકોએ ચિંતા વ્યક્ત કરી છે. સરવે સામેલ 47 લોકોએ માન્યું કે ભારત સરકાર બેરોજગારીના મુદ્દાને પહોંચી વળવામાં નિષ્ફળ રહી છે.