ગુજરાત સરકારના કલાયમેટ ચેન્જ વિભાગ અને ઇશા આઉટરીચ વચ્ચે કલાયમેટ એક્શન-જમીન સંરક્ષણ હેઠળ ‘માટી બચાવો’(સેવ સોઈલ) માટે અમદાવાદ ખાતે મંગળવાર (30મે)એ સમજૂતીપત્ર (MoU) પર હસ્તાક્ષર કરાયા હતા. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ઇશા ફાઉન્ડેશનના સંસ્થાપક આધ્યાત્મિક ગુરૂ સદગુરૂ જગ્ગી વાસુદેવ ઉપસ્થિતિમાં આ એમઓયુ થયા હતા. ‘સેવ સોઇલ’ની આ વૈશ્વિક ચળવળમાં આ MoU સાથે ગુજરાત સહયોગ આપનારૂં દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. સદગુરુ જગ્ગી વાસુદેવજી દ્વારા ‘માટી બચાવો’ની વૈશ્વિક પહેલ કરવામાં આવી છે. આ બાબતે સમાજમાં જાગૃતિ લાવવા માટે સદગૂરુએ વિશ્વના 73 દેશ સાથે MoU કર્યા છે.
આ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સદગુરુએ શરૂ કરેલા આ અભિયાનમાં ગુજરાત અગ્રણી રહી વધુ યોગદાન આપવા માટે આગામી દિવસોમાં સક્રિયતા પૂર્વક આગળ વધીશું. માટીને રણમાં ફેરવવાથી અટકાવવા, ક્ષાર પ્રવેશ નિયંત્રિત કરવા અને વૃક્ષારોપણ તથા ચેરનાં વૃક્ષોના આવરણ થકી હરિયાળું આવરણ-ગ્રીન કવર વધારવા જેવી બાબતોનો આ એમઓયુમાં સમાવેશ કરાયો છે.
અગાઉ યુરોપ અને મધ્ય-પૂર્વમાં થઈને 70 દિવસની ભૂમિ યાત્રા પછી સદગુરુ ‘સેવ ધ સોઈલ’ યાત્રાના છેલ્લા ભાગ માટે રવિવાર, 29 મે, 2022ના રોજ ગુજરાતના જામનગર પહોંચ્યા હતા. આ વર્ષે માર્ચમાં સદગુરુ જગ્ગી વાસુદેવે 100 દિવસની 30,000 કિલોમીટરની મોટરસાઇકલ યાત્રા ‘જર્ની ટુ સેવ સોઇલ’ શરૂ કરી હતી. જમીન બચાવો આંદોલનનો મુખ્ય ઉદ્દેશ લોકોને માટીના મહત્વ વિશે જાગૃત કરવાનો છે. આ ચળવળથી વિશ્વ સમુદાયને જાગૃત કરવાની જરૂર છે, જેથી લોકો તેમના દેશની સરકારોનું ધ્યાન આ તરફ ખેંચી શકે અને સાથે મળીને તેઓ ક્ષીણ થતી જમીનની સંભાવનાને પુનર્જીવિત કરી શકે.
ધરતી બચાવવા તમામ ભેદભાવ ભૂલી જવા જરૂરી: સદગુરૂ
જામનગરના પોર્ટ પર આવી પહોંચેલા સદગુરુએ પ્રતાપ વિલાસ પેલેસમાં ઉભા કરાયેલા મંચ પરથી ધર્મ, સરહદો, જ્ઞાતિ-જાતિ સહિતના તમામ ભેદભાવો ભૂલીને સૌ માટે સર્જાયેલી ધરતી માતાની રક્ષાની અપીલ સમગ્ર દેશને કરી છે. જામનગરના રાજવી જામશત્રુશલ્યસિંહજીના આમંત્રણથી ઓમાનથી જામનગર પહોંચેલા સદગુરુ જગ્ગી વાસુદેવે દેશમાં સેવ સોઈલનો આરંભ ભગવાન યોગેશ્વરની પ્રાર્થનાથી કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આપણે મનુષ્યો જાતિ, ધર્મો અને દેશોમાં વહેંચાયેલા છીએ, પરંતુ બ્રહ્માંડની દ્રષ્ટિએ આપણે સૌ એક આકાશ હેઠળ અને એક ધરતી પર રહીએ છીએ. ધરતી આપણને જોતું કોમન ફેકટર છે.