પાર્ટીગેટના ફોટાઓ બહાર આવ્યા પછી દેશના વડા પ્રધાન બોરિસ જૉન્સનનું પદ જોખમમાં આવી ગયું છે. ખુદ તેમના પક્ષ કોન્ઝર્વેટીવના સાંસદોએ વડાપ્રધાનના રાજીનામાની માંગણી કરી છે. તેમના ખુદના કેબિનેટના મિનિસ્ટર્સે સ્વીકાર્યું છે કે જે રીતે જૉન્સન તેમના કોમ્યુનિકેશન હેડ લી કેન છૂટા થયા તેની પાર્ટીમાં ટોસ્ટ કરતા હતા તે તસવીરો સુયોગ્ય નથી. આ તસવીરોના કારણે કેબિનેટમાં ફરીથી બળવો થવાનો ભય સર્જાયો છે.
આ વિવાદો અને દાવાઓ વચ્ચે વ્હાઇટહોલના સૂત્રોએ એવો આક્ષેપ કર્યો હતો કે વડા પ્રધાને સ્યુ ગ્રેને તેમનો રીપોર્ટ પ્રસિધ્ધ કરવાનું માંડી વાળવાનું સૂચન કર્યું હતું. સિવિલ સર્વન્ટ સ્યુ ગ્રે બુધવારે તા. 25ના રોજ ડાઉનિંગ સ્ટ્રીટને તેમનો અહેવાલ સોંપી શકે છે, ત્યારબાદ સંસદમાં નિવેદન બાદ વડા પ્રધાન દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે એવા અહેવાલ છે. નંબર 10 ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વરિષ્ઠ સિવિલ સર્વન્ટ સ્યુ ગ્રે “આગામી દિવસોમાં” અહેવાલ પ્રકાશિત કરે એ પછી વડાપ્રધાન સંસદને સંબોધન કરશે જેમાં પોતાનો પક્ષ રજૂ કરશે.
નવેમ્બર 2020માં જ્યારે કોરોનાવાઇરસ રોગચાળાના કારણે ઈંગ્લેન્ડમાં બીજું કોરોનાવાઇરસ લોકડાઉન અમલમાં હતું. તે વખતે કામના હેતુઓ માટે “વાજબી રીતે તે જરૂરી” ન હોય તેવા સંજોગોમાં બે કે તેથી વધુ લોકોને ઇન્ડોર હળવા મળવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તે સમયે યોજાયેલી પાર્ટીમાં જૉન્સન વાઇનની બોટલો, વાઇનના ગ્લાસ, ફૂડ અને અન્ય પીણાંથી ભરેલા ટેબલ પાસે ઊભા રહીને સાથીદારો સામે ગ્લાસને ઉંચો (ટોસ્ટ) કરતા દેખાય છે.
ITV ન્યૂઝ દ્વારા સોમવારે તા. 23ના રોજ તે પાર્ટી દરમિયાન લેવામાં આવેલા ચાર ફોટા પ્રસિધ્ધ કરાયા હતા. જેમાં સત્તાવાર કાગળો માટે ઉપયોગમાં લેવાતું વડાપ્રધાનનો લાલ બોક્સ દર્શાવતો ફોટો પણ સામેલ છે. માનવામાં આવે છે કે તે ફોટો 13 નવેમ્બર 2020ના રોજ વડાપ્રધાન પાર્ટીમાં જોડાયા તે વખતના છે. બીબીસીને કહેવાયું છે કે તે પાર્ટીમાં હાજરી આપનાર ઓછામાં ઓછા એક વ્યક્તિને દંડ ફટકારવામાં આવ્યો હતો, પરંતુ વડપ્રધાનને દંડ ફટકારવામાં આવ્યો ન હતો. આ અંગે મેટ્રોપોલિટન પોલીસ સામે પણ આક્ષેપો થયા છે.
પોલીસે 13 નવેમ્બરના રોજ ડાઉનિંગ સ્ટ્રીટમાં યોજાયેલા બે કાર્યક્રમોની તપાસ કરી હતી. લેબર એમપી દ્વારા જ્યારે સંસદમાં પૂછવામાં આવ્યું કે શું તે તારીખે કોઈ પાર્ટી થઈ હતી ત્યારે જૉન્સને “ના” કહી ઉમેર્યું હતું કે “મને ખાતરી છે કે…બધા નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. જે પણ થયું તે માર્ગદર્શનનું પાલન કરવામાં આવ્યું હતું.”
આ ફોટોગ્રાફ્સ બહાર આવતા વિપક્ષી સાંસદો અને અન્ય લોકોના તાજા દાવાઓને વેગ મળ્યો છે કે શ્રી જૉન્સને જાણી જોઈને સાંસદને ગેરમાર્ગે દોર્યા હતા. વડાપ્રધાન સાંસદો સાથે ખોટું બોલ્યા હતા કે કેમ તે અંગે કોમન્સની વિશેષાધિકાર સમિતિ તપાસ કરે છે. સરકારી માર્ગદર્શિકા હેઠળ, જે મિનિસ્ટર્સ જાણી જોઈને સંસદને ગેરમાર્ગે દોરે છે તેમના રાજીનામાની અપેક્ષા રાખવામાં આવે છે.
લેબર એમપી જોનાથન એશવર્થે જણાવ્યું હતું કે ‘’વડાપ્રધાન માટે સંસદમાં તેમના નિવેદનનો બચાવ કરવો મુશ્કેલ હશે.’’ સ્કોટિશ કન્ઝર્વેટિવ્સના પીઅર અને ભૂતપૂર્વ નેતા, રૂથ ડેવિડસને જણાવ્યું હતું કે ‘’વડા પ્રધાન સંસદમાં જૂઠું બોલ્યા હતા અને તેમની સ્થિતિ હવે વિકટ બની છે. વરિષ્ઠ કન્ઝર્વેટિવ ટોમ ટુગેન્ધાટે ટીકા કરતા કહ્યું હતું કે “સરકારી બાબતોમાં ગંભીરતા હોય છે. તે આપણને બધાને લાગુ પડે છે. અને મને ડર છે કે આ ગંભીર લાગતું નથી.”
ભૂતપૂર્વ જસ્ટીસ સેક્રેટરી રોબર્ટ બકલેન્ડે બીબીસી રેડિયો વિલ્ટશાયરને જણાવ્યું હતું કે: “જો ઇરાદાપૂર્વક જૂઠું બોલવામાં આવ્યું હોય, તો આ વડા પ્રધાન સહિત કોઈપણ પોતાના પદ પર કેવી રીતે ચાલુ રહી શકે.” પરંતુ ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શેપ્સે જણાવ્યું હતું કે “પીએમના લાલ બૉક્સની હાજરી જોતાં એમ લાગે છે કે તેઓ કદાચ ત્યાંથી પસાર થતા હશે. મને લાગે છે કે તેમણે લાંબા ગાળા સુધી કામ કરનાર સ્ટાફના સભ્યનો આભાર કહેવા માટે ગ્લાસ ઊંચો કર્યો હશે. પોલીસે ઘટનાની “સંપૂર્ણપણે તપાસ” કરી હશે.’’
કન્ઝર્વેટિવ બેકબેન્ચર એમપી સર ડેસમંડ સ્વેને પીએમને સમર્થન આપતાં કહ્યું હતું કે ‘’હું માનુ છું કે તેઓ “કામ પર હતા. લોકો કામ પર તે જ કરે છે. કાર્યસ્થળે લોકો સાથે મળીને કામ કરે છે અને અસરકારક રીતે બબલ્સમાં હોય છે.
લિબરલ ડેમોક્રેટ્સે ઇન્ડિપેન્ડન્ટ ઓફિસ ફોર પોલીસ કન્ડક્ટને પત્ર લખીને લોકડાઉન દરમિયાન નંબર 10 અને વ્હાઇટહોલમાં મેટ પોલીસની તપાસ કાર્યવાહીની તપાસ કરવા વિનંતી કરી છે. પાર્ટીના ડેપ્યુટી લીડર ડેઇઝી કૂપરે કહ્યું: “જો લોકડાઉન દરમિયાન આ રીતે પાર્ટીમાં અન્ય કોઈ નજરે પડ્યું હોત તો તો ચોક્કસપણે તેમને દંડ કરવા માટેનો પૂરતો પુરાવો ગણાયો હોત.”
લંડનના મેયર સાદિક ખાને જણાવ્યું હતું કે પોલીસે “તેઓ શા માટે તેમના નિષ્કર્ષ પર પહોંચ્યા છે તે સમજાવવું જોઈએ અને તેની સ્પષ્ટતા કરવી જોઈએ”.લેબરના ડેપ્યુટી લીડર એન્જેલા રેનરે કહ્યું હતું કે “મને લાગે છે કે તે ભયાનક છે. શું તેમણે ઈરાદાપૂર્વક કોમન્સને ગેરમાર્ગે દોર્યું હતું? કોઈપણ વડા પ્રધાન આવા દિવસો ન જોવાનું પસંદ કરશે. જૉન્સન કોવિડ નિયમ ભંગને લઈને સૌથી વધુ દબાણ અનુભવી રહ્યા છે.
આ તસવીરો લિક થવા પાછળ ડોમિનિક કમીંગ્સ તરફ આંગળી ચીંધાઇ રહી છે. જેમને સત્તા સંઘર્ષ હાર્યા પછી તે જ રાત્રે હાંકી કાઢવામાં આવ્યા હતા અને ત્યારથી તેઓ નંબર 10 માં ‘શાસન પરિવર્તન’ માટે ઝુંબેશ ચલાવી રહ્યા છે. કમિંગ્સે ગ્રેના પાર્ટીગેટ રિપોર્ટના પ્રકાશન સાથે મેળ ખાતા નંબર 10ની પાર્ટીઓના વધુ ફોટા બહાર આવશે તેવી આગાહી કર્યાના કલાકો પછી આ તસવીરો ITV ન્યૂઝ પર લીક થઇ હતી.
સરકારી સૂત્રોએ એવી દલીલ કરી છે કે ‘સંક્ષિપ્ત’ મિલન કોઈ પાર્ટી માટે નહતું. કોઈપણ બોસની જેમ પીએમ લાંબા સમય સુધી સેવા આપનાર સ્ટાફના સભ્યને ગુડબાય કહેવા માટે આવ્યા હતા. તે પાર્ટી ન હતી. જૉન્સને કેનનો આભાર માનીને ભાષણ આપ્યું હોવાનું કહેવાય છે અને તેમના ફ્લેટમાં જતાં પહેલાં 10થી 15 મિનિટ સુધી રોકાયા હતા. સમગ્ર રોગચાળા દરમિયાન ડાઉનિંગ સ્ટ્રીટ અને વ્હાઇટહોલમાં યોજાયેલી પાર્ટીઓ અંગેના આક્ષેપોને કારણે મેટ્રોપોલિટન પોલીસ દ્વારા 12 ઘટનાઓની તપાસ કરવામાં આવી હતી. જે ગયા અઠવાડિયે પૂર્ણ થઈ હતી, જેમાં આઠ અલગ-અલગ તારીખો પર યોજાયેલી પાર્ટીઓ અંગે 83 વ્યક્તિઓને કુલ 126 ફિક્સ પેનલ્ટી નોટીસ આપવામાં આવી હતી.
બીજી તરફ સાંસદો ડરહામ પોલીસ દ્વારા 30 એપ્રિલ 2021ના રોજ લેબર નેતા સર કેર સ્ટાર્મર અને તેમના ડેપ્યુટી એન્જેલા રેનરની હાજરીમાં એક મિલનની તપાસના પરિણામની રાહ જોઈ રહ્યા છે. સર કેરે કહ્યું છે કે જો તેમને કાર્યક્રમમાં હાજરી આપવા બદલ દંડ કરવામાં આવશે તો તેઓ રાજીનામું આપી દેશે.
પાર્ટીગેટના રસપ્રદ આંકડા
• પાર્ટીગેટ બદલ સ્કોટલેન્ડ યાર્ડ ડિટેક્ટિવ્સે
126 ફિક્સ્ડ પેનલ્ટી નોટિસ (FPNs) આપી હતી.
• બોરિસ જૉન્સન, તેમના પત્ની કેરી સહિત કુલ 83 રાજકારણીઓ અને સ્ટાફને દંડ કરાયો હતો જેમાં 35 પુરુષો અને 48 સ્ત્રીઓ હતી.
• દંડની રકમ £50 હતી. જો બે અઠવાડિયામાં તે ન ચૂકવાય તો £100 ચૂકવવા પડે છે.
• જૉન્સને કેબિનેટ રૂમમાં જન્મદિવસની ઉજવણીમાં 10 મીનીટ વિતાવી હોવાનો દાવો કરાય છે.
• પાર્ટીગેટમાં સ્કોટલેન્ડ યાર્ડની પાંચ મહિનાની ઓપરેશન હિલમેન તપાસ પાછળ £460,000નો ખર્ચ થયો હતો.
• આ તપાસ 25 જાન્યુઆરીથી 19 મે વચ્ચે 115 દિવસ ચાલી હતી.
• 8 પાર્ટીઓ બદલ પોલીસ દ્વારા દંડ વસૂલવામાં આવ્યો હતો.
• પોલીસ દ્વારા તપાસ માટે ડાઉનિંગ સ્ટ્રીટની અંદરના કાર્યક્રમોના 510 ફોટોગ્રાફ્સ અને સીસીટીવી ઈમેજોનો ઉપયોગ કરાયો હતો.