ભારતની બજેટ એરલાઇન સ્પાઇસજેટે બુધવાર (25મે)એ જણાવ્યું હતું કે તેની સિસ્ટમ પર રેન્સમવેર એટેક થતાં કેટલાંક ફ્લાઇટ્સમાં વિલંબ થયો છે. નાઇટ ઓપરેશન પર નિયંત્રણો છે તેવા એરપોર્ટ પરની ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે. કંપનીએ જણાવ્યું હતું કે ગઇરાત્રીએ રેન્સમવેર એટેકનો પ્રયાસ થયો હતો. અમારી આઇટી ટીમ સ્થિતિ પર મહદઅંશે અંકુશ મેળવ્યો છે અને તેમાં સુધારો કર્યો છે.
બુધવારે સ્પાઈસજેટ એરલાઈન્સની કેટલીક ફ્લાઇટ્સે મોડી ઉડાન ભરી હતી. ફ્લાઇટ મોડી પડતાં સેંકડો મુસાફરો વિવિધ એરપોર્ટ પર ફસાયા હતા. મુસાફરોની નારાજગી બાદ કંપની તરફથી કહેવામાં આવ્યું કે, રેન્સમવેર એટેકનો પ્રયાસ થયો હતો, જેના કારણે વિમાનોએ આજે મોડી ઉડાન ભરી હતી. જોકે હવે સ્થિતિ સામાન્ય છે.
સ્પાઈસજેટના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેની આઈટી ટીમે સ્થિતિ સુધારી લીધી છે અને ફ્લાઈટ્સ હવે સામાન્ય રીતે ચાલી રહી છે. એરલાઈન્સની આ બેદરકારીથી નારાજ મુસાફરોએ નબળી સેવા માટે સોશિયલ મીડિયા પર ઉભરો કાઢ્યો હતો, જે બાદ કંપની તરફથી ખુલાસો કરવામાં આવ્યો હતો.