પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવમાં મોદી સરકારે જનતાને મોટી રાહત આપી છે. કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યૂટીમાં કાપ મૂકીને પેટ્રોલના ભાવમાં લીટર દીઠ રૂ.9.5 અને ડીઝલના ભાવમાં રૂ.7નો ધરખમ ઘટાડો કર્યો છે અને રાજ્યોને પણ વેટમાં ઘટાડો કરવાની સલાહ આપી છે. કેન્દ્રીય નાણાપ્રધાને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને વર્ષમાં 12 ગેસ સિલિન્ડર માટે સિલિન્ડર દીઠ રૂ.200ની સબસિડી આપવાની પણ જાહેરાત કરી છે. સરકારે પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ તથા સ્ટીલ અને આયર્નના કાચા માલની કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડાનો પણ નિર્ણય કર્યો છે, તેથી આ પ્રોડક્ટ્સ પણ સસ્તી થશે.
સરકારે પેટ્રોલની એક્સાઇઝમાં રૂ.8 અને ડીઝલની એક્સાઇઝમાં રૂ.6નો તોતિંગ ઘટાડો કર્યો છે. તેનાથી પેટ્રોલના ભાવમાં લીટર દીઠ રૂ.9.5 અને ડીઝલમાં લીટર દીઠ રૂ.7નો ધરખમ ઘટાડો થયો છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવ અગાઉ લીટર દીઠ રૂ.105.41 હતા, જે હવે રૂ.95.91 થયા છે. એ જ રીતે દિલ્હીમાં ડીઝલના રૂ.96.67 હતા, જે ઘટીને રૂ.89.91 થયા છે.
એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડાની જાહેરાત કરતાં કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે સરકાર ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને વર્ષમાં 12 ગેસ સિલિન્ડર માટે સિલિન્ડર દીઠ રૂ.200ની સબસિડી આપશે. તેનાથી રાંધણ ગેસના વિક્રમજનક સ્તરે પહોંચેલા ભાવથી લોકોને થોડી રાહત મળશે.રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીએ 14.2 કિગ્રાના એલપીજી સિલિન્ડર માટે હાલમાં રૂ.1,003 ચૂકવવા પડે છે. આ યોજનાની લાભાર્થીને હવે તેમના બેન્ક એકાઉન્ટમાં ડાયરેક્ટ રૂ.200ની સબસિડી મળશે. આમ એલપીજી સિલિન્ડરમાં ફ્રી કનેક્શન મેળવનારી ગરીબ મહિલાઓને ગેસનું સિલિન્ડર રૂ.803માં પડશે.
અગાઉ 4 નવેમ્બર 2021ના રોજ સરકારે પેટ્રોલની એક્સાઇઝ ડ્યૂટીમાં રૂ.5 અને ડીઝલની એક્સાઇઝ ડ્યૂટીમાં રૂ.10નો ઘટાડો કર્યો હતો. આમ માર્ચ 2020થી મે 2020 વચ્ચે પેટ્રોલ અને ડીઝલના પરના આ ટેક્સમાં કુલ લિટર દીઠ રૂ.13 અને રૂ.16નો ઘટાડો થયો છે.
2020માં એક્સાઇઝ ડ્યૂટીમાં વધારાને કારણે પેટ્રોલ પર આ કેન્દ્રીય ટેક્સ લીટર દીઠ રૂ.32.9 અને ડીઝલ પર લીટર દીઠ રૂ.31.8ના વિક્રમજનક સ્તરે પહોંચ્યો હતો. એક્સાઇઝ ડ્યૂટીમાં આ ઘટાડાને પગલે હવે પેટ્રોલમાં લીટર દીઠ રૂ.19.9 અને ડીઝલમાં લીટર દીઠ રૂ.15.8 ટકાનો કેન્દ્રીય વેરો લાગુ પડે છે.
નાણાપ્રધાને ટ્વીટ કર્યું હતું કે “અમે પેટ્રોલની એક્સાઇઝ ડ્યૂટીમાં રૂ.8 અને ડીઝલની એક્સાઇઝ ડ્યૂટીમાં રૂ.6નો ઘટાડો કરીએ છીએ. તેનાથી પેટ્રોલના ભાવમાં લીટર દીઠ રૂ.9.5 અને ડીઝલના ભાવમાં લીટર દીઠ રૂ.7નો ઘટાડો થશે. તેનાથી સરકારને ટેક્સની આવકમાં એક વર્ષમાં રૂ.1 લાખ કરોડનું નુકસાન થશે. નાણાપ્રધાન તમામ રાજ્ય સરકારોને પણ સ્થાનિક ટેક્સ અથવા વેટમાં ઘટાડો કરવાની સલાહ આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે હું આશા રાખુ છું કે તમામ રાજ્ય સરકારો અને ખાસ કરીને અગાઉના રાઉન્ડ (નવેમ્બર 2021)માં ઘટાડો ન કરનારા રાજ્યો પણ આટલો જ ઘટાડો કરે અને આમ આદમીને રાહત આપે.
નવેમ્બર 2021 પછીથી પેટ્રોલની એક્સાઇઝમાં રૂ.5 અને ડીઝલની એક્સાઇઝમાં રૂ.10નો ઘટાડો થયો હતો.આની સાથે 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ ગ્રાહકોને વેટમાં ઘટાડો કરીને વધુ રાહત આપી હતી, પરંતુ એનડીએના ઘટક પક્ષો સિવાયના પક્ષોનું શાસન છે તેવા રાજ્યોએ વેટમાં ઘટાડો કર્યો ન હતો. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ જેવા રાજ્યોનો સમાવેશ થાય છે.
સીતારમણે જણાવ્યું હતું કે આજે વિશ્વ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યું છે. વિશ્વ કોરોના મહામારીમાંથી રિકવર થઈ રહ્યું હતું ત્યારે યુક્રેન યુદ્ધથી સપ્લાયના અવરોધ આવ્યા છે અને વિવિધ વસ્તુઓની અછત સર્જાઈ છે. તેનાથી ઘણા દેશોમાં ફુગાવો અને આર્થિક મુશ્કેલી ઊભી થઈ છે.
ભારતમાં જથ્થાબંધ ફુગાવો એપ્રિલમાં 15.08 ટકાના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. રિટેલ ફુગાવો પણ એપ્રિલમાં 7.79 ટકાના આઠ વર્ષના ઊંચા સ્તરે રહ્યો હતો.
નાણાપ્રધાને જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સ્થિતિ પડકારજનક હોવા છતાં અમે સુનિશ્ચિત કર્યું છે કે આવશ્યક ચીજવસ્તુઓની અછત ઊભી ન થાય. કેટલાક વિકસિત દેશો પણ અછત કે સપ્લાયના અવરોધથી બચી શક્યા નથી. અમે આવશ્યક ચીજવસ્તુઓના ભાવને અંકુશમાં રાખવા પ્રતિબદ્ધ છીએ. વૈશ્વિક સ્તરે ફર્ટિલાઇઝર્સના ભાવમાં વધારો થયો હોવા છતાં સરકારે આવા ભાવવધારાથી ખેડૂતોને સુરક્ષા આપી છે. ચાલુ વર્ષના બજેટમાં રૂ.1.05 લાખ કરોડની ફર્ટિલાઇઝર સબસિડીની જોગવાઈ ઉપરાંત વધુ રૂ.1.10 લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી રહી છે.
સીતારમણે જણાવ્યું હતું કે અમે પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ માટે કાચા માલ અને ઇન્ટરમેડિયરીઝની કસ્ટમ ડ્યૂટીમાં પણ ઘટાડો કરી રહ્યાં છીએ. તેનાથી ફાઇનલ પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડો થશે. એ જ રીતે અમે આયર્ન અને સ્ટીલના ભાવમાં ઘટાડો કરવા તેના કાચા માલ અને ઇન્ટરમેડિયરીઝની કસ્ટમ ડ્યૂટીમાં ફેરફાર કરી રહ્યાં છીએ. કેટલીક સ્ટીલ પ્રોડક્ટ્સ પર નિકાસજકાત લાદવામાં આવશે.