રવિવારના રોજ રોયલ વિન્ડસર મહેલના ખાનગી મેદાનમાં ગુજરાતી ઢોલ ઢબક્યો અને હાજર તમામ લોકો દેશી હોય કે વિદેશ બધા જ ઝૂમી ઉઠ્યા હતા. હાલ બ્રિટનના રાજ પરિવારના મોભી, 96 વર્ષના રાણી એલિઝાબેથે ગાદી સંભાળ્યાના 70 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. તે કાર્યક્રમના એક ભાગરૂપે મૂળ કચ્છના નારણપરના બ્રિટિશ નાગરિક પ્રિતી વરસાણીએ “ઢોલીડા ઢોલ રે વગાડ મારે હિંચ લેવી છે” ગરબો ગાઈને જાણે કે બ્રિટનના રાજમહેલની ધરતી પર ગુજરાતને જીવંત કરી દીધું હોય તેવો માહોલ ઉભો કર્યો હતો. છેલ્લા કેટલાક સમયથી ભાગ્યે જ જાહેરમાં દેખાતા બ્રિટનના રાણી એલિઝાબેથે ગત રવિવારે પોતાની પ્લેટિનમ જ્યુબિલી અને શાસનના 70 વર્ષની ઉજવણી કરવા માટે આયોજિત ‘એ ગેલપ થ્રુ હિસ્ટ્રી’ ના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ શો આયોજિત કાર્યક્રમોની શ્રેણીમાં પ્રથમ હતો અને 12 થી 15 મે વચ્ચે આયોજિત કરવામાં આવ્યો હતો. રવિવારના આ ભવ્ય પ્રસંગમાં જુદા જુદા અનેક પરફોર્મન્સ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ટોમ ક્રૂઝ, હેલેન મિરેન, ડેમિયન લુઈસ, ઓમિડ ઝાલીલી જેવી ખ્યાતનામ હસ્તીઓ સહિત હોલિવૂડના મોટા સ્ટાર્સે હાજરી આપી હતી. આ ઈવેન્ટમાં પોતાના પર્ફોર્મન્સ અંગે મીડિયા સાથે વાત કરતાં વરસાણીએ કહ્યું, ”ક્વીન સમક્ષ તેમના 70 વર્ષના શાસનમાં આ પ્રથમ વખત પરંપરાગત ગુજરાતી ગીત રજૂ કરાયું હતું. આ એક પરંપરાગત લોક ગરબો છે, પણ પર્લ પટેલે તેમાં થોડા મોડિફિકેશન કરીને તેનું એક ખાસ વર્ઝન બનાવ્યું છે. પર્લના વડવાઓનું મૂળ ગામ કરમસદ છે. આ ગરબામાં યુવા બ્રિટિશ ગુજરાતી અને ગરબા પ્રેમીઓને આકર્ષિત કરવા ઘણી નવી વાતો ઉમેરવામાં આવી હતી”
વરસાણીએ પરંપરાગત ચણિયા ચોળીમાં સજીધજીને ગરબાનું પરફોર્મન્સ આપ્યું હતું. તેના કારણે જોનારા અને સાંભળનારા દરેક તેમના આ પરફોર્મન્સ પર મુગ્ધ થઈ ગયા હતા. “લંડનમાં પ્લેટિનમ જ્યુબિલી સેલિબ્રેશન માટે આયોજિત આ ખાસ રોયલ પ્રોગ્રામમાં ગુજરાત અને મારી સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે ખૂબ જ સન્માનની વાત છે” તેમ પ્રિતીએ કહ્યું હતું. પ્રિતી વરસાણીનો પરિવાર મૂળ કચ્છના નારણપર ગામનો છે, જો કે તેમનો જન્મ અને ઉછેર બ્રિટનમાં થયો છે. તે થોડા વર્ષો પહેલા રાજકોટની મુલાકાતે આવી હતી અને અહીં ગુજરાતી લોકગીતો સાંભળતા જ તેમને ખૂબ ગમી ગયા હતા. એ પછી આ ગીતો શીખવા માટે પહેલા તો પ્રિતી વરસાણીએ ગુજરાતી ભાષા પર પકડ મેળવી અને આ માટે તેમણે ખૂબ પ્રયાસ પણ કર્યા.
યુકેમાં ગુજરાતી ગીતોને લોકપ્રિય બનાવી રહેલા ગાયક પ્રિતી કહે છે કે ”ગુજરાતી લોક સંગીત સાંભળીને મને એવું લાગ્યું કે તે સંગીત મારા આત્મામાં ગુંજી રહ્યું છે. આ સંગીત સાંભળીને હું મારા મૂળ સાથે જોડાઈ શકું છું અને સમજી શકું છું – હું અહીંની છું તેવું મને અનુભવાય છે! અને તેથી જ મેં આ સંગીતમાં ઊંડા ઉતરીને બ્રિટનમાં ગુજરાતી ગીતો બનાવવાનું શરૂ કર્યું.” 12 મેના રોજ શરૂ થયેલા ચાર દિવસીય કાર્યક્રમમાં ભારતીય સેગમેન્ટમાં ગુજરાતી લોક સંગીત રજૂ કરવા માટે ભારતીય મૂળના બે બ્રિટિશ કલાકારોની પસંદગી કરાઈ હતી – તેમાં બોલિવૂડ, પંજાબી અને ગુજરાતી સંગીત અને લોકનૃત્યનું મિશ્રણ હતું. પર્લ પટેલ બ્રિટનમાં જાણીતા સ્ટેન્ડ-અપ કોમેડિયન છે અને સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે. તેમણે અને વરસાણીએ તાજેતરમાં લગભગ પાંચ બ્રિટિશ ગુજરાતી ગીતોનું નિર્માણ કર્યું હતું, જેમાંથી કેટલાક તો ગુજરાતી ગીતોની રીમેક હતી. તેઓ પ્રેક્ષકો સમક્ષ આ ગીતો ક્લબમાં પરફોર્મ કરી રહ્યા હતા.
”અહીંના એશિયન સમુદાયમાં પંજાબી ભાંગડા લોકપ્રિયતામાં ટોચ પર છે. અમે ગુજરાતી ગીતોને તે સ્તરે લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને યુ.કે.ના લોકોને પણ ગુજરાતી લોકગીતોનો આનંદ માણતા જોઈને અમે આનંદપૂર્વક આશ્ચર્ય પામ્યા હતા,” એમ પ્રિતી વરસાણીએ કહ્યું હતું. તેઓ પર્લ પટેલ સાથે મળીને લંડનના યુવાનોમાં ગુજરાતી સંસ્કૃતિ અને લોકસંગીત વિશે જાગૃતિ ફેલાવી રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી આ જોડી અન્ય ગુજરાતી કલાકારો સાથે નવરાત્રીના કાર્યક્રમો અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું નિયમિત આયોજન પણ કરે છે.