દિલ્હી કોર્ટે કાશ્મીર ભાગલાવાદી નેતા યાસીન મલિકને ટેરર ફંડિગ કેસમાં દોષીત જાહેર કર્યો છે. કોર્ટ સજાનો નિર્ણય 25 મે કરશે. કોર્ટે સજા અને પેનલ્ટી નક્કી કરવા માટે યાસિન મલીકની નાણાકીય સ્થિતિની તપાસ કરવા નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ને તાકીદ કરી છે. મલિકને પણ તેની આવક અને મિલકતના તમામ સ્ત્રોતની જાહેરાત કરતી એફિડેટિવ સુપરત કરવા કોર્ટે આદેશ આપ્યો છે.
NIAની પૂછપરછમાં યાસીન મલિકે સ્વીકાર્યું છે કે, તે આતંકીઓને લગતી ગુનાહિત પ્રવૃતિઓમાં સામેલ હતો અને તેના પર લગાવવામાં આવેલી દેશદ્રોહની કલમ પણ સાચી છે. યાસીન પર જે આકરા UAPA હેઠળ કલમ લગાવવામાં આવી છે તે પણ તેણે સ્વીકારી લીધી છે. મલિકને મહત્તમ આજીવન જેલ થવાની શક્યતા છે. યાસીન મલિક કાશ્મીરના રાજકારણમાં સક્રિય રહ્યો છે. યુવાનોને ઉશ્કેરવામાં પણ તેને મહત્વની ભૂમિકા માનવામાં આવે છે.યાસીન મલિક જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF) સાથે જોડાયેલો છે.
2019માં કેન્દ્ર સરકારે JKLF પર પ્રતિબંધ મૂક્યો હતો. મલિક અત્યારે તિહાર જેલમાં બંધ છે. યાસીન પર 1990માં એરફોર્સના 4 જવાનોની હત્યાનો આરોપ છે. તેના પર મુફ્તી મોહમ્મદ સઈદની દિકરી રુબિયાનું પણ અપહરણ કરવાનો આરોપ છે. મલિક પર 2017માં કાશ્મીરમાં આતંકવાદ અને ભાગલાવાદી પ્રવૃતિઓ કરવાના પણ ગંભીર આરોપ છે.