એસ એન્ડ પી ડાઉ જોન્સ ઇન્ડાઇસિસે તેના જાણીતા S&P 500 ESG ઇન્ડેક્સમાંથી પ્રખ્યાત ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાની હકાલપટ્ટી કરી છે. વંશિય ભેદભાવ અને ઓટોપાઇલટ વ્હિકલ સંબંધિત ક્રેસ સહિતના મુદ્દાને કારણે ટેસ્લા સામે આ કાર્યવાહી કરી છે. જોકે ટેસ્લાના સીઇઓ ઇલોન મસ્કે આ નિર્ણયની ટ્વીટર પર આકરી ટીકા કરતાં જણાવ્યું હતું કે ESG એક કૌભાંડ છે. તેનો સામાજિક ન્યાયના બનાવટી યોદ્ધ એક હથિયાર તરીકે ઉપયોગ કરે છે.
એસ એન્ડ પી ડાઉ જોન્સ ઇન્ડાઇસિસના નોર્થ અમેરિકા માટેના ઇએસજી ઇન્ડાઇસિસના વડા માર્ગારેટ ડોર્ને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે લો કાર્બન સ્ટ્રેટેજી કે બિઝનેસ કન્ડક્ટ કોડ અંગે જાહેરમાં માહિતીના અભાવ સહિતના પરિબળોને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરાયો છે.
ટેસ્લા તેની ઇલેક્ટ્રિક કાર મારફત પ્રદૂષણમાં ઘટાડામાં યોગદાન આપી રહી હોવા છતાં ડોર્ને જણાવ્યું હતું કે હરીફ કંપનીઓની સરખામણીમાં ડિસ્ક્લોઝરનો અભાવ કારણે એન્વાર્યમેન્ટલ, સોશિયલ એન્ડ ગવર્નન્સ (ESG)ના માપદંડને આધારે કંપનીનું મૂલ્યાંકન કરતાં રોકાણકારો માટે ચિંતા ઊભી થઈ શકે છે.
ટેસ્લા અને એસ એન્ડ પી વચ્ચેના આ વાદવિવાદથી કંપનીઓના ઇએસજી દેખાવનું કેવી રીતે મૂલ્યાંકન કરવું તે અંગે મોટો વિવાદ ઊભો થઈ શકે છે. 22 એપ્રિલની જાહેરાત મુજબ S&P 500 ESG ઇન્ડેક્સમાં થયેલા કેટલાંક ફેરફારમાં ટેસ્લાને દૂર કરાઈ છે અને આ ઇન્ડેક્સમાં ટ્વીટરને સામેલ કરાઈ છે. અહીં ઉલ્લેખનીય છે કે મસ્કે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ખરીદવાનો સોદો કરેલો છે.