સ્કોટલેન્ડ યાર્ડે પાર્ટીગેટ સ્કેન્ડલ બાબતે ચાલી રહેલી તપાસના ભાગ રૂપે યુકેની સરકારી કચેરીઓમાં કોવિડ-19ના લોકડાઉન ભંગ માટે અત્યાર સુધીમાં 100થી વધુ ફિક્સ પેનલ્ટી નોટિસ ફટકારી છે. જૂન 2020માં 10 ડાઉનિંગ સ્ટ્રીટના કેબિનેટ રૂમમાં યોજાયેલી જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપવા બદલ વડા પ્રધાન બોરિસ જૉન્સન, તેમના પત્ની કેરી અને ચાન્સેલર ઋષિ સુનકને પણ દંડની નોટીસ આપવામાં આવી હતી. આ ગેરકાયદેસર મિલન અંગે પોલીસ ફોર્સની ઓપરેશન હિલમેન તપાસ ચાલુ છે.
મેટ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે “ઓપરેશન હિલમેન, વ્હાઇટહોલ અને ડાઉનિંગ સ્ટ્રીટમાં કોવિડ-19 નિયમોના ભંગની તપાસ, એસીઆરઓ ક્રિમિનલ રેકોર્ડ્સ ઑફિસને ફિક્સ પેનલ્ટી નોટિસ (FPN) માટે 100થી વધુ રેફરલ્સ કર્યા છે. બોરિસ જૉન્સનને £50નો દંડ કરાયો છે. જ્યારે નવા દરેક દંડ £100થી શરૂ થાય છે અને જો નિયત સમય કરતા પહેલા ચૂકવી દેવાય તો તે £50 સુધી અડધો થઈ જાય છે. દંડ મેળવનારાઓની ઓળખ પોલીસ દ્વારા સામાન્ય રીતે જાહેર કરાતી નથી.
વિપક્ષી લેબર પાર્ટીના નેતા સર કેર સ્ટાર્મર અને તેમના ડેપ્યુટી એન્જેલા રેનરે ગયા વર્ષે એપ્રિલમાં પાર્ટીના કાર્યકરો સાથેની એપ્રિલ 2021માં બનેલી ઘટનામાં કોવિડ-19 નિયમોનો ભંગ કર્યો હતો કે કેમ તે અંગે ડરહામ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. “બીઅરગેટ” તરીકે ઓળખાતા બનાવમાં તેઓ સાથીદારો સાથે બીઅર પીતા હોવાના ફૂટેજ સામે આવ્યા હતા. તેમણે વર્ક ઇવેન્ટમાં કોઈ નિયમો તોડ્યા ન હોવાનું અને પોલીસ દ્વારા દંડ કરાશે તો તેમના પદ પરથી રાજીનામું આપવાનું વચન આપ્યું છે.