ભારતીય આર્મીના ભૂતપૂર્વ કમાંડના વડાએ સોમવારે જણાવ્યું હતું કે, ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) અરુણાચલ પ્રદેશની આંતરરાષ્ટ્રીય સરહદને સમાંતર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ક્ષમતા વધારી રહી છે. જોકે, તેમણે કહ્યું હતું કે, ભારત પણ સતત તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરી રહી છે અને સરહદ પર ઊભી થનારી કોઇ પણ સ્થિતિને પહોંચી વળવા સક્ષમ છે.
પૂર્વ કમાંડના વડા લેફ્ટેનન્ટ જનરલ આર પી કલિતાએ જણાવ્યું હતું કે, “તિબેટમાં વાસ્તવિક નિયંત્રણ રેખાની નજીક મોટા પાયે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસનું કામ થઈ રહ્યું છે. સામેનો પક્ષ રોડ, રેલ, એર કનેક્ટિવિટી અને 5G મોબાઇલ નેટવર્કને સતત અપગ્રેડ કરી રહ્યો છે. જેથી તે સ્થિતિનો સામનો કરવા અથવા લશ્કરનો ખડકલો કરવા મજબૂત સ્થિતિ મેળવી શકે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “ચીનના સત્તાવાળાએ સરહદ નજીક ગામોનું નિર્માણ કર્યું છે. તેનો ઉપયોગ બે હેતુ માટે થઈ શકે. અમે સ્થિતિ પર સતત ચાંપતી નજર રાખી રહ્યા છીએ. અમે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્ષમતાને અપગ્રેડ કરી રહ્યા છીએ. ગમે તે સ્થિતિને પહોંચી વળવા માટેની સિસ્ટમને પણ આપણે મજબૂત બનાવી છે. આ બધાં પરિબળોએ આપણને સશક્ત સ્થિતિમાં મૂક્યા છે.”